(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧૪
આણંદ જિલ્લામાં જીવદયાના નામે કેટલાક કટ્ટરવાદી સંગઠનો દ્વારા કુરબાનીના પશુની ખરીદી કરી ઘરે લઈ જતા મુસ્લિમોની ખોટી કનડગત થાય નહી તે માટે આજે આણંદ જિલ્લા જમિઅતે ઉલેમાએ હિંદના જનરલ સેક્રટેરી એમ જી.ગુજરાતીનાં નેતૃત્વમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પોલીસ અધિક્ષક સૌરભસિંઘને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરીઈદ પર્વ નિમિત્તે પરંપરાગત ધર્મનાં આદેશ અનુસાર ઘેટા-બકરા જેવા પશુઓની કૂરબાની આપવામાં આવે છે. ગુજરાતમાં ગાય અને ગૌવંશની કૂરબાની પર પ્રતિબંધ હોઈ કાયદાને માન આપી મુસ્લિમો ગાય કે ગૌવંશની કુરબાની આપતાં નથી, તેમજ ગૌવંશ સિવાયનાં બકરા-ઘેટા જેવા પશુઓની કુરબાની કરવી એ મુસ્લિમોની ધાર્મિક બાબત અને બંધારણીય હક્ક છે. ત્યારે બકરી ઈદ આડે હવે થોડો સમય બાકી રહ્યો છે. ત્યારે કેટલાક મુસ્લિમ વિરોધી સંગઠનો દ્વારા પોલીસને સાથે રાખી જીવદયા નામે મુસ્લિમોનાં કુરબાની માટેના જાનવરો તેમજ વાહનોને પકડીને પશુ લઈને આવતા મુસ્લિમોની તેમજ વાહનોનાં ચાલકને માર મારવામાં આવે નહી અને ખોટી રીતે કનડગત કરવામાં આવે નહી તે માટે રજૂઆત કરી હતી. જેથી પોલીસ અધિક્ષક સૌરભસિંઘે કુરબાની માટેનાં કાયદામાં માન્ય પશુઓની હેરફેર દરમ્યાન ખોટી રીતે કનડગત નહીં થાય તેની ખાતરી આપી હતી. ત્યારબાદ આ પ્રતિનિધિ મંડળે નિવાસી અધિક કલેકટર આર.જી.જાડેજાને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ત્યારે નિવાસી અધિક કલેકટર આર.જી.જાડેજાએ પશુઓને કાયદેસર રીતે નિતી નિયમો મુજબ લઈ જવામાં આવતું હશે તો તેઓને કોઈ ખોટી કનડગત નહીં થાય તેનું ધ્યાન રખાશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે આણંદ જિલ્લા જમિઅતે ઉલેમાએ હિંદના જનરલ સેક્રેટરી એમ જી.ગુજરાતી, આણંદ જિલ્લા જમિઅતે ઉલેમાએ હિંદનાં પ્રમુખ મુફતી ઈલ્યાસ, આણંદ જિલ્લા જમિઅતે ઉલેમાએ હિંદના ઉપપ્રમુખ મૌલાના શમ્શુલહક્ક ચાંગાવાળા, આણંદ જિલ્લા જમિઅતે ઉલેમાએ હિંદના ઉપપ્રમુખ હાજી ઈદ્રીસભાઈ દવાવાળા, આણંદ જિલ્લા જમિઅતે ઉલેમાએ હિંદના ઉપપ્રમુખ અબ્દુલહક્ક મિરઝા (બોરસદ), આણંદ જિલ્લા જમિઅતે ઉલેમાએ હિંદના ઉપપ્રમુખ અબ્દુલરસીદ કાજલ રોડવેજવાળા, જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટનાં પ્રમુખ યુનુસભાઈ મુખી (ભાલેજ), મેમણ સમાજનાં માજી પ્રમુખ ફારૂકભાઈ મસ્જિદે ઈન્આમનાં પેશઈમામ હાફેજ ઈકબાલ સારોદી, ઝકરીયા મસ્જિદનાં પેશઈમામ મૌલવી ઈસ્માઈલ સારોદી,નાપા બચ્ચોંકા ઘરનાં મૌલાના સોહેલ કાઝી, મર્સી ફાઉન્ડેશનનાં મૌલાનાં અબ્દુલકુદ્દુસ,હાજી ઈસ્માઈલભાઈ ગામડી, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના મંત્રી હાજી સીરાજભાઈ બાકરોલવાળા, યુવા સામાજિક કાર્યકર અસીમભાઈ ખેડાવાળા, મુસ્લિમ અગ્રણી નશરૂભાઈ રાઠોડ, સૈયદ સાહિદઅલી બાપુ, આણંદ નગરપાલિકા વિપક્ષના નેતા ઈદ્રિસભાઈ ભાણાભાઈ, સામાજિક કાર્યકર અને પૂર્વ કાઉન્સિલર હાજી ઐયુબભાઈ બતોલાસેઠ,નગરપાલિકા દિવાબત્તી કમિટીનાં ચેરમેન અનવરભાઈ ચા-વાળા,ખેડા જિલ્લા જમિઅતે ઉલેમાનાં જનરલ સેક્રેટરી સોહેલભાઈ વ્હોરા (ડુંગર) ઉપસ્થિત રહ્યા હતા.

મુસ્લિમો કાયદાનું પાલન કરી ગૌવંશની કુરબાની આપવાથી દૂર રહેઃએમ.જી.ગુજરાતી

આણંદ જિલ્લા જમિઅતે ઉલેમાએ હિંદનાં જનરલ સેક્રેટરી એમ જી.ગુજરાતીએ મુસ્લિમ સમાજને અપીલ કરતાં જણાવ્યું હતું કે બકરાઈદના પવિત્ર પર્વ પ્રસંગે ગાય અને ગૌવંશની કુરબાની આપવાના બદલે તે સિવાયનાં પશુઓની કુરબાની આપી કાયદાને માન આપવું જોઈઅ.ે તેમજ જાહેર માર્ગો પર કુરબાની નહી કરવા તેમજ પરદો મારી કે આડસ કરીને તેમજ અન્ય ધર્મની લાગણીઓને માન આપી કોઈ બીજા ધર્મનાં લોકોની લાગણી દુભાય નહીં તે રીતે કુરબાની આપવા તેમજ કોમી એકતાઓ સૌહાર્દભર્યુ વાતાવરણ જળવાઈ રહે તે રીતે પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી.