(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૦
આગામી પંદરેક દિવસમાં બકરા ઈદનો તહેવાર આવી રહ્યો છે અને મુસ્લિમ સમાજના લોકો કુરબાનીના જાનવરોની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કુરબાની માટે કાયદેસરના પશુઓ ભરી લાવતા લોકોને અપીલ કરી છે કે કટ્ટરવાદી સંગઠનો અને પોલીસની હેરાનગતિથી બચવા પશુ ખરીદનાર લોકો જે ખેડૂતો કે વેપારીઓ પાસેથી પશુઓની ખરીદી કરે તેમની પાસેથી પાવતી કે લખાણ લખાવી લેવાનો પાસ આગ્રહ સાથે અને પરમિટવાળા વાહનોમાં જેટલા પશુઓ લાદવાની પરવાનગી હોય તેટલા જ ભરે જેથી રસ્તામાં હેરાનગતિ ન થાય. રાજયના ડીજીપીએ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના આગેવાનોની રજૂઆત બાદ રાજયના તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરી દીધી છે. એટલે કાયદેસરના પશુઓ ભરી લાવતા વેપારીઓ કે ખરીદનારઓએ ખરીદી કરતી વખતે ખેડૂતો કે પશુ માલિકો પાસેથી કેટલા નંગ ખરીદયા ? તે સહિત તેમનું નામ સરનામું મોબાઈલ નંબર સહિતની વિગતો સાથે રેવન્યુ સ્ટેમ્પવાળા પેપર પર લખાણ લખાવી પાવતી મેળવી લેવી ઉપરાંત જે ગાડીમાં પશુઓ ભરીને લાવવાના હોય તે ગાડીની આરટીઓ પરમિટ ચકાસી લેવી તેમજ જેટલા પશુઓ લાદવાની પરવાનગી હોય તેટલા જ પશુઓ ભરવા સાથે ગાડીમાં ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા કરવી આવા કાયદેસરના પશુઓના વાહનો હશે તો કોઈ હેરાનગતિ કરી શકશે નહીં. આથી મુસ્લિમ સમાજને અપીલ કરતા ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે ભેંસ, પાડા, ઘેટાં અને બકરાના માલિકીના પુરાવાની પહોંચ સાથે રાખવી પરમિટવાળા વાહનમાં જ પરવાનગી હોય તેટલા જ પશુઓ ભરવા અને ઘાસચારા પાણીની વ્યવસ્થા કરવી આથી રાજયના ડીજીપીના આદેશ અનુસાર પોલીસ કોઈ કાર્યવાહી કરશે નહીં જેનો મુસ્લિમ સમાજના લોકો સખ્તાઈથી અમલ કરે તે જરૂરી છે.