(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.રર
આગામી તા.બીજી સપ્ટેમ્બરના રોજ રાજ્યભરના મુસ્લિમ બિરાદરો બકરી ઈદનો તહેવાર મનાવશે. આ તહેવાર માંગરોળ તાલુકામાં શાંતિભર્યા માહોલમાં સંપન્ન થાય એ માટે જમિયતે ઉલમાએ હિન્દ, ગુજરાત રાજ્યની વિભાગીય માંગરોળ તાલુકાની કમિટી દ્વારા, માંગરોળ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર બી.ડી. સોનારિયાને આવેદનપત્ર પેશ કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે બકરી ઈદનો તહેવાર પરંપરાગત ધર્મના આદેશ અનુસાર ઉજવવા માટે ઘેટાં-બકરા જેવા પશુઓની કુરબાની આપવામાં આવે છે. ગાય અને ગૌવંશની કુરબાની ઉપર પ્રતિબંધ હોય, કાયદાને માન આપી આવા પશુઓની કુરબાની કરતા નથી. આ સિવાયના પશુઓની કુરબાની કરવી એ મુસ્લિમોની ધાર્મિક બાબત અને બંધારણીય હક છે. તહેવારના થોડા દિવસો અગાઉ કેટલાક મુસ્લિમ વિરોધી સંગઠનો, પોલીસને સાથે રાખી, જીવદયાના નામે કુરબાનીના પશુઓ અને વાહનને પકડી વાહન ચાલકને માર મારવામાં આવે છે. આવા બનાવો ૪/૯/૧૭ સુધી ન બને અને શાંતિભર્યા માહોલમાં આ તહેવાર ઉજવાય એ માટે યોગ્ય આયોજન કરવા માંગ કરી છે. જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા બીજું એક આવેદનપત્ર આપી જણાવ્યું છે કે હાલમાં જૈનોનો પવિત્ર તહેવાર પ્રર્યુષણ ચાલી રહ્યો છે. આ દરમિયાન કતલખાના બંધ કરાવવામાં આવે છે પરંતુ હાઈકોર્ટે આ પ્રશ્ને આદેશ આપ્યો છે કે કતલખાના બંધ રાખવાનો આદેશ સરકાર આપી શકે નહીં. કારણ કે પંદર દિવસ કતલખાના બંધ રાખવાથી ધંધા-રોજગાર ઠપ થઈ જાય છે અને ગરીબ-મધ્યમ વર્ગના ધંધાદારીઓની હાલત વધુ કફોડી બને છે. તેમ છતાં માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવતા કોસંબા, પાલોદ, મોટી નરોલી, પીપોદરા વિસ્તારોમાં કાર્યરત ચીકનનો ધંધો કરતાં નાના કતલખાના બંધ કરાવવામાં આવી રહ્યા છે, જેથી તત્કાલ હેરાનગતિ બંધ થાય અને ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન થાય એવી માંગ કરવામાં આવી છે. આ બંને આવેદનપત્રો જમિયતના જનરલ સેક્રેટરી એડ.એસ.એસ. નુર અને ઈરફાનભાઈ મકરાણીના નેતૃત્વમાં આપવામાં આવ્યા હતા.