(એજન્સી) તહેરાન, તા.૩
ઈરાન અને તુર્કીની સેનાના કમાન્ડરોએ ઈરાક વિભાજનનો વિરોધ કર્યો હતો. તેમણે અલગ કુર્દિસ્તાનની માંગ નકારી દઈ ઈરાકની એકતા માટે ટેકાની જાહેરાત કરી હતી.
તહેરાનમાં ઈરાનના લશ્કરી વડા મેજર જનરલ મોહમ્મદ બકેરીએ સોમવારે તુર્કીના સેના પ્રમુખ હુલુસી અકાર સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. તુર્કીના જનરલ અકાર તહેરાનની મુલાકાતે આવ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાન ઈરાનની મુલાકાત લેવાના છે તે પહેલાં સેનાના કમાન્ડરની મુલાકાત મહત્ત્વની સાબિત થઈ છે.
ટંકારા અને અંકારા માને છે કે ઈરાકની અખંડિતતાને કાયમ રાખવી જરૂરી છે. દરમ્યાન રપ સપ્ટેમ્બરના રોજ કુર્દિસ્તાન પ્રાંતમાં આઝાદી માટે જનમત સંગ્રહ થયો હતો. કુર્દ વિસ્તાર ઈરાકથી અલગ થવા માંગે છે. જેનો ઈરાક સરકારે સખત વિરોધ કર્યો હતો. જનમત સંગ્રહના પરિણામો બતાવે છે કે ૯ર.૭૩ ટકા લોકો ઈરાકનું વિભાજન ઈચ્છે છે. કુલ ૭ર.૬૧ ટકા કુર્દ લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો.
ઈરાકના રાજકીય પક્ષોએ ઈરાકના વિભાજનની હિલચાલ સામે ચિંતા વ્યક્ત કરી છે. એક તરફ દાઈશના આતંકવાદીઓ સામે જંગ છેડાયો છે ત્યારે સ્વતંત્રતાની લડત ઘણી સમસ્યાઓ સર્જશે. ઈરાન-તુર્કીએ કહ્યું કે વિવાદાસ્પદ જનમત ઈરાકમાં પુનઃઅસ્થિરતા લાવશે.
સમગ્ર મિડલ ઈસ્ટ હાલમાં ત્રાસવાદની ધમકી હેઠળ ધ્રુજી રહ્યું છે ત્યારે બીજા ઘણા સંઘર્ષ થશે.
ઈરાનની સેનાના નાયબ વડા મસૂદ જઝિયારીએ કહ્યું કે ઈરાન-ઈરાકના સૈનય દળો કુર્દિસ્તાનમાં સૈન્ય અભ્યાસ કરશે. જે ઈરાકની એકતા માટે હશે. કુર્દિસ્તાન દ્વારા સ્વતંત્રતાની માંગ સાથે જનમત સંગ્રહ કરાયો હતો.
દરમ્યાન બકરીએ તુર્કીના સૈન્ય વડા સાથે ચર્ચા કરી ઈરાકી અને સીરિયન દળો દ્વારા દાઈશના આતંકવાદીઓ સામેના ઝુંબેશ અંગે વાકેફ કરાયા હતા. બંને દેશોમાં સલામતીની સ્થાપના માટે ચર્ચા થઈ હતી. બંને દેશો એકબીજાના સૈન્યને તાલિમ આપશે અને સરહદે સલામતી માટે માહિતીનું આદાન-પ્રદાન કરશે.