ભૂજ, તા.૧૮
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા ગુજરાતની સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પણ ભાજપનું પ્રભુત્વ જળવાઈ રહ્યું છે. કચ્છની કુલ ૬ વિધાનસભા બેઠકમાંથી ૪ ભાજતે મેળવી છે જ્યારે ર બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.
અબડાસા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના પ્રધ્યુમનસિંહ એમ.જાડેજાએ ભાજપના છબીલભાઈ પટેલને ૧૩,૬૯પ મતથી હરાવ્યા છે. કોંગ્રેસના પ્રધ્યુમનસિંહ જાડેજા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે.
અંજાર વિધાનસભા બેઠક ઉપર ભાજપના વાસણભાઈ આહિરની સતત પાંચમી વખત જીત થઈ છે. તેઓ કોંગ્રેસના તેમના હરીફ વી.કે.હુંબલ સામે ૧૧,૩ર૬ મતની સરસાઈથી વિજેતા બન્યા છે.
રાપર વિધાનસભા બેઠકના ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના નવાદિત ઉમેદવાર સંતોકબેન આરેકિયાએ ભાજપાના મજબૂત ઉમેદવાર પંકજ મહેતાને ૧૪,૧૭૬ મતથી હાર આપી હતી. જ્યારે ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી બાબુભાઈ મેઘજી શાહ ત્રીજા ક્રમે રહ્યા હતા. તેઓ એન.સી.પી.માંથી આ ચૂંટણી લડ્યા હતા.
બીજી તરફ કચ્છના મુખ્ય મથક ભૂજ બેઠક ઉપર ભાજપના ડો.નીમાબેન આચાર્ય અનેક ચડાવ-ઉતારને અંતે કોંગ્રેસના આદમભાઈ ચાકીને હરાવીને સતત બીજી વખત ચૂંટણી જીતી ગયા હતા. આ બેઠક ઉપર બન્ની પચ્છમ વિસ્તારની મતપેટીઓ ખુલતા કોંગ્રેસા આદમ ચાકી ર૮ હજાર જેટલી સરસાઈથી આગળ ચાલતા હતા ત્યારે ભાજપ છાવણીમાં સોંપો પડી ગયો હતો. એક તબક્કે કાર્યકરોમાં આદમભાઈ ચાકી વિજેતા બન્યા હોવાના સમાચાર પણ ફેલાયા હતા. જો કે અન્ય વિસ્તારોમાં નીમાબેન આચાર્યને બહુમતી મળતા અંતે ૧૧,૬પ૪ મતથી ભાજપના નીમાબેન વિજયી થયા હતા.
કચ્છમાં પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી માંડવી બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા ૮૯૬પ મતની સરસાઈથી વિજેતા જાહેર થયા છે. તેઓ પણ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા છે.
બીજી તરફ ગાંધીધામની અનુ.જાતિની અનામત બેઠક ઉપર ભાજપના માલતીબેન બારોટનો ૧૯,૪૯પ મતની સરસાઈથી કોંગ્રેસના કિશોરભાઈ પીંગોલ સામે વિજય થયો છે. આ બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસે તદ્દન નવા ચહેરાને મૂક્યા હતા જેમાં ભાજપના માલતીબેન વિજયી થયા છે.
ર૦૧રમાં સ્થિતિ
કચ્છમાં ર૦૧રની ચૂંટણીમાં કચ્છની છ બેઠકમાંથી ૧ માત્ર અબડાસા બેઠક કોંગ્રેસ પાસે હતી અને પ બેઠક ભાજપ પાસે હતી.
કોંગ્રેસ ઉમેદવાર આદમ ચાકીએ ફરિયાદ કરી હતી
ભૂજ બેઠકના ર૩ ઈવીએમના સીલ તૂટેલાની ફરિયાદ આર.ઓ.એ માન્ય ન રાખી
ભૂજ, તા.૧૮
ભૂજ વિધાનસભા બેઠકના ર૩ ઈવીએમના સીલ તૂટેલા હોવાની ફરિયાદ કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીએ કરી હતી. મતગણતરી શરૂ થઈ તે વખતે જ આ બાબતે ભૂજના આર.ઓ. આર.જે. જાડેજાને કરવામાં આવી હતી. આદમ ચાકીની ફરિયાદ અનુસાર ર૩ ઈવીએમ ઉપર સફેદ પટીનું સીલ લાગેલું જોવા મળ્યું નથી.
જો કે આર.ઓ. આર.જે.જાડેજાએ આ બાબતને માન્ય નથી અને ભાજપના ઉમદવાર નિમા આચાર્યને વિજેતા જાહેર કરી દીધા છે.