(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.ર૯
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કર્યા બાદ પાકિસ્તાન સરહદી વિસ્તારોમા ગમે ત્યારે હુમલો કરી શકે અથવા આત્મઘાતી હુમલાખોરો ભારતમાં પ્રવેશી શકે તેવા ઈનપુટ બાદ દેશભરની સાથે રાજ્યમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત કચ્છની દરિયાઈ સરહદ મારફત આતંકીઓ કચ્છની સરહદમાં ઘૂસ્યા હોવાના ગુપ્તચર તંત્રના અહેવાલ બાદ સમગ્ર કચ્છમાં હાઈએલર્ટ, જારી છે. પરિણામે પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી સહિતના સુરક્ષા તંત્રોને એલર્ટ કરી દેવાયા છે. ભારતમાં સરહદી વિસ્તારો ઉપર હુમલો થઈ શકે તેમજ કચ્છની દરિયાઈ સરહદ મારફત ટ્રેનિંગ પામેલા ફિદાયીન આતંકી કચ્છની સરહદમાં ઘૂસ્યા હોવાના પણ ઈનપુટ મળ્યા બાદ સમગ્ર કચ્છમાં હાઈએલર્ટ જારી કરાતાં સરહદી કચ્છમાં ઉચાટ ફેલાયો છે. કચ્છના દરિયાઈ માર્ગે નજીકના ભૂતકાળમાં ડ્રગ્સ હેરાફેરી પણ પકડાઈ ચૂકી છે. હાલમાં જ કચ્છના સરકિક વિસ્તારમાંથી બે બિનવારસી પાક બોટ મળી આવ્યા બાદ દરિયા માર્ગેથી ફિદાયિન આતંકી ઘૂસ્યા હોવાની બાતમી ગુપ્તચર તંત્રને મળતાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરિયા માર્ગથી ભૂતકાળમાં મુંબઈ ખાતે આતંકી ઘૂસ્યા બાદ અંધાધૂંધ ગોળીબાર થવા જેવી ઘટનાને આતંકી અંજામ આપી શકે છે તેવી બાતમી બાદ કંડલા બંદર-દરિયાઈ સરહદ ઉપર વધુ સુરક્ષા ઊભી કરવામાં આવી છે. દરમ્યાન સામે પાર પાકિસ્તાન તરફની દરેક હિલચાલ ઉપર ઈન્ટરનેટ માધ્યમથી નજર રાખી રહેલા સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે કે પાકિસ્તાને સામે પાર કરાચી બંદર ઉપર દારૂગોળા સાથેની તોપો પણ ગોઠવી દીધી છે. જે અંગે અનુમાન થઈ શકે છે કે પાક તરફથી રઘવાટમાં આવી જઈ ગમે ત્યારે ભારતના સરહદી વિસ્તારોમાં હુમલા થઈ શકે છે. બીજી તરફ કચ્છના જખૌ બંદર મુન્દ્રા-માંડવી દરિયા ઉપર મરીન કમાન્ડો તૈનાત રખાયા છે. સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજ ખાતે આર્મી-સીમા સુરક્ષા દળો અને એરફોર્સ એમ ત્રણેય પાંખોના મુખ્ય મથકો આવેલા છે તે સંકુલની પણ સુરક્ષા વધારવામાં આવી છે.