(સંવાદદાતા દ્વારા)
ભૂજ,તા.ર૩
ગત સપ્તાહે રાપર તાલુકામાં કેન્દ્રબિંદુ ધરાવતો ૩.રની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ આજરોજ ભચાઉ-અંજાર પંથકમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા કચ્છ જિલ્લાની પ્રજામાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ આંચકાની અસર ભચાઉ, રાપર, ગાંધીધામ અંજાર સહિતના વિસ્તારોમાં અનુભવાઈ હતી. જો કે જાન માલને નુકસાનીના કોઈ ખબર નથી. કચ્છમાં આજરોજ બપોરે વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાતા ગભરાટ ફેલાયો હતો. બપોરે ૩.૧ર વાગ્યે ૪.૧ની તીવ્રતનો ભૂકંપનો આંચકો ભચાઉ-અંજાર પંથકમાં અનુભવાયો હતો. સિસ્મોલોજી કચેરીના જણાવ્યાનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અંજાર તાલુકાના દુધઈથી ૬ કિલોમીટર દૂર નોર્થઈસ્ટ દિશામાં નોંધાયું હતું. જમીનમાં ૧પ.૮ કિલોમીટરની ઊંડાઈથી આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આ આંચકાની અસર ભચાઉ-રાપર-ગાંધીધામ અંજાર સહિતના વિસ્તારોમાં અનુભવાઈ હતી.