અમદાવાદ,તા.૪
શહેરભરમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધતો જાય છે અને છાશવારે શહેરના વિવિધ વિસ્તારોમાં કૂતરા કરડવાની અને તેના કારણે ગંભીર ઇજાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામતી હોય છે ત્યારે ફરી એકવાર શહેરમાં આવા રખડતા કૂતરાઓને ખસીકરણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઉદાસીનતા અને અવગણના સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં એક અંદાજ પ્રમાણે ર.૭૦ લાખથી વધુ રખડતાં કૂતરાં છે. અમુક વિસ્તારમાં તો સાંજ ઢળતાંની સાથે જ રખડતાં કૂતરાંના આતંકથી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો ઘરની બહાર પગ મૂકી શકતાં નથી. ખુદ તંત્રના સત્તાવાર અહેવાલ મુજબ દરરોજ ર૩ર નાગરિકોને કૂતરાં કરડી ખાય છે. તેમ છતાં અમ્યુકો તંત્ર દ્વારા દૈનિક માંડ ૮૦ જેટલા કૂતરાંનું ખસીકરણ-રસીકરણ કરાય છે, જે દરરોજના ૧૦૦ કૂતરાંના ખસીકરણ-રસીકરણના લક્ષ્યાંકથી ઓછું હોવાનું સ્પષ્ટ કરે છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રખડતાં કૂતરાં પકડી ખસીકરણ તેમજ રસીકરણ કરી કૂતરાંઓને મૂળ જગ્યાએ મૂકવાની કામગીરી માટે અમદાવાદની એનિમલ હેલ્પ ફાઉન્ડેશન અને પીપલ ફોર એનિમલ તેમજ બેંગલુરુની એનિમલ રાઇટ ફંડ એમ ત્રણ સંસ્થાને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ માટે તંત્ર દ્વારા તમામ સંસ્થાને ઇન્ફ્રાસ્ટ્રકચર, કેનલ્સ, લાઇટ, પાણી, એક ટેમ્પા સહિતની સુવિધા અપાઇ છે. એનિમલ હેલ્પ ફાઉન્ડેશનને ગ્યાસપુર ખાતે જમીન ફાળવાઇ છે, જ્યારે પીપલ ફોર એનિમલને ગોમતીપુર અને એનિમલ રાઇટ ફંડને બહેરામપુરાના તંત્રના ઢોરવાડામાં મફતમાં જમીન અપાઇ છે. તેમ છતાં આ ત્રણેય સંસ્થાઓની કામગીરી સદંતર કંગાળ પુરવાર થઇ રહી છે. છ મહિનામાં શહેરભરનાં માત્ર ૧૪,પ૧૪ રખડતાં કૂતરાંનું ખસીકરણ-રસીકરણ કરાયું હોવાનો ચોંકાવનારો રિપોર્ટ ખુદ તંત્રનો છે. આ રિપોર્ટ મુજબ દરરોજના માંડ ૮૦ કૂતરાંને પકડીને ખસીકરણ-રસીકરણ કરાતું હોઇ પ્રજાના પૈસા આ ત્રણેય સંસ્થાઓને મફતમાં જમીન, પાણી, લાઇટ, વાહન, ઇન્ફ્રાસ્ટ્રકચર, કેનલ્સ જેવી તમામ સુવિધા અપાતી હોવા છતાં એક પણ મહિનામાં ખસીકરણ-રસીકરણનો ૩૦૦૦નો આંકડો પણ મેળવી શકાયો નથી. આ સંસ્થાઓને પ્રતિશ્વાન રૂ.૬૩૬ ચૂકવાતા હોવા છતાં વેટરનરી ડોક્ટરની મર્યાદિત સંખ્યાથી ખસીકરણ-રસીકરણની કામગીરીમાં વેગ આવતો નથી. ગત ઓક્ટોબર-ર૦૧૭થી માર્ચ-ર૦૧૮ સુધીમાં એનિમલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા કુલ ૩૯૦૭ રખડતાં કૂતરાં, પીપલ્સ ફોર એનિમલ દ્વારા કુલ પ૪પ૦ રખડતાં કૂતરાં અને એનિમલ રાઈટ ફંડ દ્વારા કુલ પ૧પ૭ રખડતાં કૂતરાંનું ખસીકરણ-રસીકરણ કરાયું હતું. બીજી તરફ તંત્રની નબળી કામગીરીથી શહેરમાં રખડતાં કૂતરાંની વસ્તીમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થઇ રહી છે. એટલું જ નહી, તંત્રની બેદરકારી અને ગંભીર ઉદાસીનતાના કારણે શહેરમાં રખડતા કૂતરાઓ દ્વારા નાગરિકોને કરડવાના કિસ્સા પણ નોંધનીય રીતે વધી રહ્યા છે. જેને લઇ શહેરીજનોમાં તંત્ર પરત્વે સ્વાભાવિક નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.