(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે ખરાખરીનો જંગ થવાના મંડાણ છે ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવાર નક્કી કરવામાં માથાઝીંક બાદ એ જ જૂની પરંપરા દોહરાવાય તેમ જણાય છે. એટલે કે લગભગ ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે સત્તાવાર ઉમેદવાર જાહેર કરીને તેની પાસેથી ફોર્મ ભરાવાય તેમ હાલ જણાઈ રહ્યું છે. કોંગ્રેસના પાંચ દાવેદારોને ફોર્મ તૈયાર રાખવાનું હાઈકમાન્ડ દ્વારા કહેવાયું છે કે પછી પોતાની રીતે પણ આ તમામ પાંચેય ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ તૈયાર કરી દીધા હોવાનું જાણવા મળેલ છે. જો કે તેમાં ભોળાભાઈ ગોહિલે તેમજ લલિત વસોયાએ પણ ઉમેદવારીપત્રક લેતા રાજકારણ ગરમાયું છે. બીજી તરફ આજે ભાજપમાંથી કુંવરજી બાવળિયાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારીપત્ર ભર્યું હતું. પેટાચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી દીધી છે તો બીજી તરફ કોંગ્રેસ હજુ સુધી પોતાનો ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસ જસદણ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને લઇને અસમંજસમાં છે. ઉમેદવારોની છેલ્લી ઘડીએ પસંદગી કરીને ભૂલો કરવાની કોંગ્રેસની પરંપરા હજુ પણ યથાવત રહે તેમ લાગે છે. જસદણ બેઠક પરથી કોંગ્રેસના ભોળાભાઈ ગોહીલે પણ ફોર્મ લીધા છે. કોંગ્રેસમાંથી અવસર નાકીયા, મનસુખ ઝાપડિયા, વિનુ ધડુક અને ગજેન્દ્ર રામાણીમાંથી કોઈપણ એક ઉમેદવારને ટિકિટ મળી શકે છે. આ તમામ નામોમાંથી અવસર નાકીયા નામ સૌથી મોખરે ચાલી રહ્યાં છે. જસદણ બેઠક પર અત્યાર સુધીમાં કુલ ૫૩ લોકોએ ફોર્મ લીધા છે. કોંગ્રેસને અપક્ષ ઉમેદવાર ઉભો રહે તેવો ડર છે. ભાજપ આ માટે પ્રયત્નો પણ કરી રહી છે. આખરી તબક્કે એક ઉમેદવારને ફોર્મ ભરવાનું કહેવામાં આવશે. પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ આજે ફોર્મ ભર્યુ હતુ. કુંવરજી બાવળીયાના ડમી તરીકે તેમના પત્ની પારૂલબહેન બાવળીયાએ પણ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી.જસદણ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. ત્યારે જસદણ બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવશે. કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીમાં વિખવાદને ટાળવા છેલ્લી ઘડીએ નામ જાહેર થવાની શક્યતા જોવાઈ રહી છે. બાવળિયા સામે કોંગ્રેસ પણ કોળી સમાજનો ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવના છે. ગઈકાલે તમામ બાબતો ફાયનલ થઈ ગઈ હતી. અમિત ચાવડાએ પણ ૨૮મીએ જસદણ પેટાચૂંટણીનો ઉમેદવાર જાહેર કરીશું તેવી જાહેરાત કરી હોવા છતાં તેઓ નામ જાહેર કરી શક્યા નથી. દરમ્યાન આજે ફોર્મ ભર્યા બાદ બાવળિયાએ ચોંકાવનારૂ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જે ટિકિટના દાવેદારો છે તેમાંથી મોટાભાગના મારા સંપર્કમાં છે. તે આ નિવેદનથી રાજકીય ગરમાવો આવવા સાથે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે.