અમદાવાદ, તા.૨૫
રાજકોટ કલેક્ટર કચેરીમાં વર્ષ ર૦૦૮માં તોડફોડના કેસમાં કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સહિતના ૧ર લોકોને ૧ વર્ષની સજા અને દંડ ફટકારાયા બાદ ભાજપના મંત્રી અને પ્રદેશ પ્રમુખ સામસામે આવી ગયા છે. કારણ કે, કુંવરજી બાવળિયા જ્યારે કોંગ્રેસમાં જસદણના ધારાસભ્ય હતા, ત્યારે જમીન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડનો વિરોધ કરવા કોંગ્રેસના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા હતા, જ્યાં ટોળામાંના કેટલાક લોકો દ્વારા કચેરીમાં તોડફોડ કરવામાં આવી હતી. કલેકટર કચેરીમાં તોડફોડ કરવાના કેસમાં ૧૭૯ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ગઈકાલે કૉંગ્રેસના બે ધારાસભ્યો ભૂતપૂર્વ ધારાસભ્યો અને સાંસદ સહિત ૧ર લોકોને બે ધારાસભ્યો પાંચ હજાર રૂપિયાનો દંડ અને ૧ વર્ષ ની સજા ફટકારવામાં આવી હતી. આ કેસના મુદ્દે હાલના ભારતીય જનતા પાર્ટીના જસદણના ધારાસભ્ય અને કૅબિનેટ મંત્રી બાવળિયાએ નિવેદન આપ્યું છે. બાવળિયાએ જણાવ્યું કે ’આ ઘટના બની તેનું કારણ હું પણ છું, મારા કારણે કૉંગ્રેસના આગેવાનો આવેદન આપવા ગયા હતા. કોર્ટનો નિર્ણય શિરોમાન્ય છે પણ જલદીથી આ કેસનો નિકાલ આવે તેવા પ્રયાસો કરીશું” ગઈકાલે રાજકોટમાં અદાલતે આ કેસમાં ચુકાદો આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસની માનસકિતા છતી થઈ છે. વાઘાણીના નિવેદન બાદ આજે રાજકોટના તરઘડીયામાં કૃષિ ઉત્સવમાં આવેલા બાવળિયાએ જણાવ્યું હતું કે ’કોર્ટના ચુકાદાને રાજકીય રંગ ન આપવો જોઈએ. મારા કારણે કૉંગ્રેસના આગેવાનો આવેદન પત્ર આપવા ગયા હતા અને ટોળામાંના કેટલાક શખ્સોએ તોડફોડ કરી હતી’ આ કેસમાં કોર્ટના નિર્ણયને સ્વીકારતા બાવળિયા બોલ્યા,’ અમને કોર્ટનો નિર્ણય શિરોમાન્ય છે. અમે વહેલીતકે આ કેસનો નિકાલ થાય તે માટે પ્રયત્નો કરીશું. આગામી સમયમાં કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તેના માટે અપીલમાં પણ જઈશું.’