(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
પાંચ-પાંચ વાર ધારાસભ્ય રહી ચૂકેલા અને બે વાર સંસદસભ્યના ઉમેદવાર કોંગ્રેસના કુંવરજી બાવળિયાએ આજે પંજાનો સાથ છોડી કેસરિયો ધારણ કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી પક્ષથી નારાજ કુંવરજી બાવળિયા ગમે ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે. તેવી શક્યતા હતી તે આજે સાચી ઠરી હતી. આમ, સવારમાં કોંગ્રેસમાં રહી નાસ્તો કરનાર બાવળિયાએ બપોરનું જમણ ભાજપમાં અને રાત્રિનું વાળું સરકારમાં કર્યું હતું તેમ કહીં શકાય. એટલે કે, ભાજપમાં જોડાયા બાદ તુરંત જ તેમને કેબિનેટ મંત્રી તરીકે શપથ પણ લેવડાવી દીધા હતા. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દેખાવ ઉત્કૃષ્ઠ રહ્યો હતો. આથી, ત્યારથી જ સમસમી ગયેલા ભાજપે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ માટે કોળી મતદારો પર પ્રભુત્વ ધરાવતા કુંવરજી બાવળિયા તેમના નિશાને હતા. તેઓ કોંગ્રેસથી નારાજ હોવાથી અમિત શાહે તેમની રમત શરૂ કરી દીધી જેમાં તેઓ સફળ રહ્યા. જો કે, કોંગ્રેસે પણ કુંવરજી બાવળિયાને મનાવવાના ઉપરછલ્લા જ પ્રયાસો કર્યા હતા. કારણ કે, કોંગ્રેસ જાણે છે કે, કુંવરજી કોંગ્રેસમાં રહે તેના કરતા ભાજપમાં જાય તો ભાજપને જ નુકસાન પહોંચશે. જેની શરૂઆત પણ થઈ ચૂકી છે. જસદણના ધારાસભ્ય અને કોળી નેતા કુંવરજી બાવળિયાએ અંતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું છે. આજે બાવળિયાને રાજ્યપાલે રાજભવન ખાતે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિમાં પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમ, ભાજપમાં જોડાયાના માત્ર ચાર કલાકમાં જ બાવળિયાને મંત્રી પદ મળી ગયું છે. સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ ૧મા કેબિનેટ મંત્રીઓની ઓફિસ આવેલી છે. પરંતુ બાવળિયાને સ્વર્ણિમ ૨મા પૂર્વમંત્રી શંકર ચૌધરીની કેબિન આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી કોળી નેતા અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને ભાજપે પક્ષમાં લઇ કેબિનેટે મંત્રી બનાવે તેવી સંભાવના વચ્ચે ભાજપે એક કાંકરે ઘણા પક્ષીઓ માર્યા છે. સૌરાષ્ટ્ર એ ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ બનતો જાય છે. ભાજપે ઘણા પ્રયાસો કરવા છતાં પણ ભાજપની કારી ચાલી નથી. હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપે ફરી કોંગ્રેસના અગ્રણીઓને ભાજપમાં જોડાવવા કવાયત આદરી હોય તેમ આજે કોંગ્રેસના કુંવરજી બાવળિયાને ભાજપમાં લીધા છે. તેમની પાછળ પાછળ સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ અગ્રણીઓ રાજીનામા આપીને ભાજપમાં જોડાય તેવી પણ ભાજપને આશા છે. લોકસભાની ચૂંટણીમાં આ વર્ષે ભાજપ માટે કપરાં ચઢાણ છે. ભાજપ મિશન ૨૬ અંતર્ગત કામગીરી કરી રહી છે પણ તેમને પણ ખબર છે કે, આ લોકસભાની ચૂંટણીમાં ૧૫થી વધારે સીટ મળે તેવી સંભાવના ઓછી છે. એટલે ભાજપે જૂનો દાવ શરૂ કર્યો છે. કોંગ્રેસના પાવરફૂલ નેતાઓને હવે ભાજપમાં લેવાના પ્રયાસો કર્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં બળવંતસિંહ અને શંકરસિંહ પાસે ધાર્યું કામ કરાવી ભાજપે કોંગ્રેસને પછાડવા રચેલી સોગઠી ફાવી ન હતી. આ લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મજબૂત થવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસમાંથી જીવાભાઈ પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, જાવિદ પીરઝાદા અને વિક્રમ માડમની નારાજગી જાહેરમાં આવી ચૂકી છે. આ તમામ ભાજપમાં ક્યારેય ન જોડાય તેવી વાતો કરી રહ્યાં છે આ જ વાતો કુંવરજી બાવળિયા પણ કરી રહ્યા હતા.