(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૩૧
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીના ખરખરીના જંગમાં કોંગ્રેસના ગઢ સમાન આ બેઠક પર કોંગી ઉમેદવારને હરાવી જીત હાંસલ કરવા સાથે પોતાનો દબદબો જાળવી રાખનારા કુંવરજી બાવળિયા ભાજપમાં હવે પોતાનું સારૂ એવું સ્થાન બનાવવામાં સફળ થયા હોય તેમ જણાય છે. કુંવરજી બાવળિયાને મોવડીમંડળનું તેડું આવતા તેઓ આજે દિલ્હી જવા રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે તેમની દિલ્હી મુલાકાતને લઈ અટકળોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઈ તેમને મહત્વની જવાબદારી સોંપવા અથવા તો ગુજરાતમાં જ કંઈક વધુ સારી જવાબદારી સોંપાય તેવી શકયતાઓ મુખ્યરૂપે જોવાઈ રહી છે.કોંગ્રેસની સામે ધારાસભ્ય પદ ઉપરથી કુંવરજી બાવળિયા રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા તેમજ જસદણ બેઠક ઉપર તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર અને કોળી સમાજના આગેવાન અવસર નાકિયાને ૨૦ હજાર જેટલા મતથી પરાજય આપીને આ બેઠક ઉપર પોતાનું પ્રભુત્વ પુરવાર કર્યું હતું. કુંવરજી બાવળિયાએ પેટા ચૂંટણીમાં વિજય મેળવતાની સાથે જ ભાજપમાં તેમના કદમાં વધારો થયો છે. જ્યારે કોળી સમાજના બે આગેવાન પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનું કદ ઘટ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ તેમને આગામી દિવસોમાં ભાજપ તરફથી વધારે જવાબદારીઓ સોંપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે સુત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને દિલ્હીથી મોવડી મંડળનું તેડું આવ્યું છે, જેથી તેઓ પોતાના મત વિસ્તારના કાર્યક્રમ રદ કરીને દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં તેઓ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
કુંવરજી બાવળિયા કોળી સમાજ ઉપર વર્ચસ્વ જમાવે છે. તેમજ દેશના ૩ રાજ્યોમાં પણ કોળી સમાજના મતદારો સૌથી વધારે છે. જેથી આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ૫ાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ધોવાણ થયું છે. તેમજ ત્રણ રાજ્યોમાં ભાજપે સત્તા ગુમાવી છે. જેથી ભાજપ લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તેવા પ્રયાસ કરી રહી છે.