(એજન્સી)નવી દિલ્હી, તા.ર૩
ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ વિભાગ (એએસઆઈ)ના કર્મીને લાલ કિલ્લામાં છૂપાયેલો ભૂગર્ભીય ઓરડો મળ્યો છે. કદાચ આ ઓરડાનો ઉપયોગ દારૂગોળો રાખવા માટે કરવામાં આવતો હશે. લાલ કિલ્લાના મુખ્યદ્વારા લાહૌરી ગેટની જ્યારે સફાઈ કરવામાં આવી રહી હતી, ત્યારે જ આ ઓરડો મળ્યો.
એએસઆઈ અધિકારીએ ઓળખ છૂપાવવાની શરતે જણાવ્યું કે, ભોયરું સંપૂર્ણપણે માટીથી ભરાયેલું હતું. તેમાં વિસ્ફોટક અથવા અગ્નિના ગોળા જેવા કોઈ જ શસ્ત્રો મળ્યા નથી. આ ઓરડો (૧૬પ૮-૧૭૦૭) મુઘલકાળ દરમિયાન ઔરંગઝેબ અથવા તો બ્રિટિશ સેનાએ બનાવ્યો હશે. આ ઓરડો લાખૌરી ઈંટોથી બનાવવામાં આવ્યો છે અને અંડાકાર ગુંબજવાળા ડબ્બાની આકૃતિમાં બનાવવામાં આવ્યો છે. તેની લંબાઈ ૬ મીટર, પહોળાઈ ર મીટર અને ઊંચાઈ ૩ મીટર છે. આ ઓરડો પેડસ્ટલથી થોડો જ દૂર છે કે, જ્યાં ૧પ ઓગસ્ટે ધ્વજ ફરકાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, આ રેતીના ઢુવાની નીચે દબાયેલો હતો અને વિભાગમાં કોઈપણ હજુ સુધી તેના અસ્તિત્વ વિશે જાણતું નથી. સફાઈ બાદ એએસઆઈએ તેને તેના મૂળ આકારમાં ઢાળી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા એએસઆઈને લાલ કિલ્લાના પરિસરમાં વિસ્ફોટક અને કારતૂસ પણ મળી ચૂક્યા છે.