(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
ગુજરાત રાજ્ય હજ સમિતિ મારફત પવિત્ર હજયાત્રાએ જવા રાજયના હજયાત્રીઓની પ્રથમ ફલાઈટ આજે વહેલી સવારે જિદ્દાહ જવા રવાના થઈ હતી. આજે પ્રથમ દિવસે ત્રણ ફલાઈટમાં કુલ ૯૦૦ હજયાત્રીઓને વિદાય આપવામાં આવી હતી. હજયાત્રીઓને વિદાય આપવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે મોટી સંખ્યામાં હજયાત્રીઓના પરિવારજનો, સગાસંબંધી અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, અને અશ્રુભીની આંખે હજયાત્રીઓને વિદાય આપી હતી.
ગુજરાત રાજય હજ કમિટી મારફત ચાલુ વર્ષે રેકર્ડબ્રેક ૧૧પ૦૦થી વધુ હજયાત્રીઓ હજ માટે નસીબવંતા બન્યા છે. આ હજયાત્રીઓ આજથી જવા રવાના થયા છે અને ર૪ ઓગસ્ટ સુધી દરરોજ ત્રણ ફલાઈટ અને રપમીએ બે ફલાઈટ મળી કુલ ૧૩ દિવસમાં ૩૮ ફલાઈટ દ્વારા હજયાત્રીઓ હજ અદા કરવા જશે. આજે સવારે ૮-૩પ વાગ્યાની પ્રથમ ફલાઈટ હોવાથી પાંચ વાગ્યા અગાઉથી જ હજયાત્રીઓ અને તેમના સંબંધીઓ એરપોર્ટ પર ઉમટી પડયા હતા. જયાં તેમણે વુઝુ કરી નમાજ અદા કર્યાં બાદ અહેરામ બાંધી એરપોર્ટમાં પ્રવેશ મેળવ્યો હતો.
એરપોર્ટ સંકુલમાં હજયાત્રીઓને વિદાય આપવા આવેલા લોકોમાં વૃધ્ધ હજયાત્રીઓના પૌત્ર, પૌત્રીઓ કે નવાસા અને નવાસીઓ પણ સાથે આવ્યા હોવાથી હજયાત્રીઓની વિદાય વેળા ગમગીન દૃશ્યો સર્જાયા હતા. માતા-પિતાને વિદાય આપવા આવેલા પુત્ર-પુત્રીઓ પણ તેમને ગળે ભેટી વિદાય આપતા હોવાથી અન્યોની આંખો પણ અશ્રુઓથી છલકાઈ ગઈ હતી. આમ વિદાયની અંતિમ ઘડીએ હજયાત્રીઓએ એરપોર્ટમાં પ્રવેશ મેળવતા જ તેમને વિદાય આપવા આવેલા લોકોએ છેક સુધી હાથ હલાવી તેમનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટ સંકુલમાં હજયાત્રીઓની સુવિધા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત હજયાત્રીઓને જરા પણ તકલીફ ન પડે તે માટે સ્વૈચ્છિક સંગઠનોના કાર્યકરો અને સેવાભાવી લોકો ખડેપગે હાજર રહેતા હતા, અને જેવા હજયાત્રીઓ એરપોર્ટ સંકુલમાં પ્રવેશે કે તુરત જ તેમનો સામાન સાથેની ટ્રોલી સ્વયંસેવકો લઈ લેતા હતા, અને છેક એરપોર્ટની અંદર સુધી તેમની મદદમાં રહેતા હતા. આ ઉપરાંત હજ કમિટીના ચેરમેન પ્રો. મુહમ્મદઅલી કાદરી, સચિવ આઈ.એમ. શેખ તથા હજ કમિટીના સભ્યોએ હજયાત્રીઓને કોઈપણ પ્રકારની સગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
લબ્બૈક..અલ્લાહુમ્મા લબ્બૈક.., ગુજરાતના હજયાત્રીઓ અમદાવાદથી મક્કા જવા રવાના

Recent Comments