(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
છ-છ કલાક સુધી સારવારના અભાવે નવી સિવિલ હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં લેબર કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતા ઘટનાની ગંભીરતાને પગલે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બેજવાબદાર વિભાગોની સામે તપાસ કરી સાંજ સુધીમાં રિપોર્ટ કરવા સિવિલ હોસ્પિટલના સુપ્રિ. જૈમિન કોન્ટ્રાક્ટરને આદેશ કર્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલના બેજવાબદાર તબીબોને કારણે માર્ગ અકસ્માતમાં ઈજા પામનાર લેબર કોન્ટ્રાક્ટર ગોકુલ રાજબહાદુર યાદવનું મૃત્યુ નીપજતાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી અને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સિવિલ હોસ્પિટલના સુપ્રિ. જૈમિન કોન્ટ્રાક્ટરને તપાસ કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની હકીકત મુજબ દેવધ ગામ પાસે લેબર કોન્ટ્રાક્ટર ગોકુલ યાદવને અકસ્માતમાં ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ઓર્થોપેડીક અને સર્જરી વિભાગે સારવાર શરૂ કરવાને બદલે એકબીજા વિભાગને રિફર કરતા છ કલાક સુધી તાત્કાલિક વિભાગમાં સારવારના અભાવે કણસતા ગોકુલભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાની ગંભીર નોંધ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ લીધી હતી અને તુરંત જ સિવિલ હોસ્પિટલના સુપ્રિ. ને જાણ કરી આ ઘટના સંદર્ભે તપાસ કરાવી સાંજ સુધીમાં રિપોર્ટ કરવા આદેશ આપ્યો હતો.