(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
એલએસી ખાતે જારી ગતિરોધ અંગે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કટાક્ષ કર્યો હતો. તેમણે મોદીનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, તેઓ સૂઈ રહ્યા છે અને ભારત તેની કિંમત ચૂકવી રહ્યું છે. સોમવારે સવારે રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે નિશાન સાધ્યું હતું. કોરોના મહામારી સામે કેન્દ્ર સરકારની કામગીરીની ટીકા કરતા રાહુલે ટ્‌વીટ કરી હતી. રાહુલે સવાલ કર્યો હતો કે શું ભારત કોરોના મામલે યોગ્ય સ્થિતિમાં છે? તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં રોકેટ ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. અમિત શાહના નિવેદનના એક દિવસ બાદ આ નિવેદન આવ્યું છે. ગઈકાલે અમિત શાહે જણાવ્યું હતું કે, કોરોના સામેના યુદ્ધ મામલે ભારત સારી સ્થિતિમાં છે.