(એજન્સી)
નવી દિલ્હી, તા.પ
નરેન્દ્ર મોદી સરકાર હાલના દિવસોમાં ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (એઆઈટીયુસી) વિરૂદ્ધની લડતનો સામનો કરી રહી છે. એઆઈટીયુસીએ જાહેરાત કરી છે કે તે કેન્દ્રમાં શાસન કરતી બીજેપી સરકારને હાંકી કાઢવા માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ હાથ ધરવા જઈ રહ્યું છે. આ ઝુંબેશની શરૂઆત ૯ ઓગસ્ટના રોજ શરૂ થશે.
અને ૪૦ દિવસો સુધી યથાવત્‌ રહેશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ મોદી સરકારની કામદાર વિરોધી અને જનતા વિરોધી નીતિનો પર્દાફાશ કરવાનો છે અને મોટી સંખ્યામાં આ ઝુંબેશમાં લોકો ભાગ લે તે માટેનો છે. ર૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ, મજદૂર યુનિયનો તેની વિરૂદ્ધ હથિયાર ઉગામ્યા છે, મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ તેણે ૧૦૦ ટકા એફડીઆઈની પરવાનગી આપીને જુદા-જુદા ક્ષેત્રોમાં સુધારાની શરૂઆત કરી હતી, જેમાં શ્રમિકોના અધિકારોને ઓછા કરવાના ઔદ્યોગિક અને શ્રમ કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો હતો. નવેમ્બર ર૦૧૭માં કેન્દ્ર સરકારની નીતિઓની વિરૂદ્ધ ત્રણ દિવસીય સામૂહિક હડતાળ ઉપરાંત કેન્દ્રીય મજદૂર યુનિયનોએ આ વર્ષે માર્ચ મહિનામાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પણ યોજ્યું હતું. કેન્દ્રીય વેપારી સંઘોએ જાન્યુઆરી, ર૦૧૮માં લઘુત્તમ ભથ્થા અને સામાજિક સુરક્ષાના લાભોની માગણી કરતા અને જુદી-જુદી સરકારી યોજનાઓ હેઠળ કાર્ય કરનાર દરેક ‘સ્કીમ વર્કરો’ની હડતાળ પણ યોજી હતી. બી.એમ.એસ.કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંબંધિત છે- તે પણ ભાજપની વિચારસરણી અને તેની શ્રમ અને ઔદ્યોગિક નીતિઓની ટીકા કરવામાં અગ્રિમ સ્થાન ધરાવે છે.
માર્ચ મહિનામાં કેન્દ્રીય મજદૂર યુનિયનોએ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સમક્ષ દરેક ક્ષેત્રોમાં રોજગારની સમયમર્યાદાને વધારી અને શ્રમિકોની ભરતી કરવાની માગણી કરી હતી. આ જોગવાઈ પહેલાં માત્ર ઉત્પાદન ક્ષેત્રમાં જ લાગુ પડતી હતી.

‘મજદૂર વિરોધી’ છે મોદી સરકાર : મજદૂર યુનિયનો

સોમવારે ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ મૂકતા કહ્યું છે કે, તે ‘મજદૂર-વિરોધી’ છે અને આગામી લોકસભાની ચૂંટણીઓમાંથી ભાજપને કેન્દ્ર સરકારમાંથી હાંકી કાઢવા માટે તે ૯ ઓગસ્ટના રોજ ૪૦ દિવસની ઝુંબેશ ચલાવવા જઈ રહ્યું છે અને તેમાં વધુ લોકોનું સમર્થન મળે તેવી આશા સેવાઈ રહી છે. એઆઈટીયુસી નેતા અમરજીત કૌરે પત્રકારોને જણાવ્યું કે, નરેન્દ્ર મોદી દેશને વેચવા નીકળ્યા છે અને તેમની સરકાર યુનિયનો સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં માનતી નથી.
નેશનલ લેબર કોન્ફરન્સની તારીખો રદ થવાથી નારાજ થયેલ મજદૂર સંઘના નેતાએ આરોપ મૂક્યો છે કે, વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) શરૂઆતમાં કોન્ફરન્સની તારીખો માટે રાજી થઈ ગયું હતું, પરંતુ તેને રદ કરી દેવામાં આવી કારણ કે સરકારની શ્રમ નીતિ અંગે મજદૂર યુનિયનોનો સામનો કરવા માટે મોદી તૈયાર નહોતા.
તેણીએ કહ્યું કે, મોદી સરકાર મજદૂર વિરોધી છે તેથી ‘મજદૂર બચાવો, દેશ બચાવો’ અને ‘જનવિરોધી મોદી સરકાર હટાવો’ના સૂત્રોચ્ચાર સાથે દરેક રાજ્યોમાં પ્રદર્શનો યોજવામાં આવશે.