(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
લાંબા સમય બાદ પાકિસ્તાન ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર સાથે જોડાયેલી સરહદ પર સક્રીય થતું દેખાઇ રહ્યું છે. પાકિસ્તાને સિંધ પ્રાંતના હૈદરાબાદ જિલ્લાના ભોલારીમાં એક આધુનિક સૈન્ય હવાઇ ક્ષેત્ર વિકસિત કર્યું છે. આ હવાઇ ક્ષેત્રમાં પાકિસ્તાનની વાયુ સેના ચીન પાસેથી લીધેલા જેએફ-૧૭ લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. સૂત્રોના અહેવાલો અનુસાર આ હવાઇ ક્ષેત્ર પહેલાંથી જ હતું પરંતુ તાજેતરમાં તેનો ઉપયોગ લડાકુ વિમાનોની ઉડાનો માટે કરવામાં આવી રહ્યો છે. પોતાની પૂર્વ સરહદ પર ભારતીય હવાઇ દળની તાકાતનો મુકાબલો કરવા માટે પાકિસ્તાની વાયુસેના મોટી સંખ્યામાં ચીન દ્વારા બનાવાયેલા જેએફ-૧૭ વિમાનો સામેલ કરી રહી છે. પાકિસ્તાનના હૈદરાબાદ બેઝથી કેટલાક દૂર પાકિસ્તાની મરીનના એસએસજી કમાન્ડોએ પોતાનું બેઝ તૈયાર કર્યું છે. જ્યાં લશ્કરે તૈયબાના આતંકવાદીઓને દરિયાઇ માર્ગે હુમલો કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. પાકિસ્તાન તરફથી આ વિસ્તરણને જોતા સુરક્ષા મંત્રી નિર્મલા સીતારમણે હવાઇ ક્ષેત્રના નિર્માણને લીલી ઝંડી આપી દીધી છે. આ હવાઇ ક્ષેત્રથી પાકિસ્તાન તરફથી તોળાતા જોખમનો સામનો કરી શકાશે. પણ તેનું નિર્માણ થતાં હજુ ત્રણ-ચાર વર્ષ લાગશે. સુરક્ષા મામલે કેબિનેટની સમિતિએ ચાલુ વર્ષે જ હવાઇ ક્ષેત્રને મંજૂરી આપી દીધી હતી. પાકિસ્તાની વાયુસેનામાં ગત વર્ષથી જ ૧૬ નવા જેએફ-૧૭ થંડર જેટ વિમાન સામેલ કરવામાં આવ્યા હતા. આ લડાકુ વિમાનોને પાકિસ્તાને ચીન સાથે મળીને બનાવ્યા છે. પાકિસ્તાનમાં પહેલાંથી જ ૭૦થી વધુ જેએફ-૧૭ થંડર જેટ છે. જેએફ-૧૭ લડાકુ વિમાન ભારતમાં બનેલા લડાકુ વિમાન તેજસની જેમ જ કોમ્બેટ જેટ છે.