ભાવનગર,તા.ર૩
ભાવનગર નજીક બુધેલ ગામે કારડિયા રજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં બુધેલ ગામના તેમજ કારડિયા રજપૂત સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરી સામે પોલીસ કેસો કરી હેરાનગતી કરવામાં આવી હતી. તેની સામે કારડિયા રજપૂત સમાજે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કર્યા હતા. આવેદનપત્રો સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી. તે સમયે આ આંદોલનને થાળે પાડવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મધ્યસ્થી કરી જે તે સમયે દાનસંગભાઈ સામેના તમામ કેસો પાછા ખેંચવાની વાત કરી હતી. આ વાતને એક વર્ષનો સમય વિતવા છતાં દાનસંગભાઈ સામેના કેસ પાછા નહીં ખેંચાતા રવિવારે કારડિયા રજપૂત સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં વચનભંગ અંગે ભાજપના નેતાઓ સામે કારડિયા રજપૂત સમાજ લડી લેવાના મૂડમાં છે અને ફરી આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેમાં ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કોડીનાર, વિરમગામ સહિતના જુદા જુદા જિલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના મુખ્ય આગેવાનો આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. આ મામલે ફરી આંદોલન થશે તેવા ભણકારા વાગી રહ્યા છે.