અમદાવાદ, તા.ર૮
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માયનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમાએ કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલયના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને પત્ર પાઠવી લઘુમતી સમાજના જે વિદ્યાર્થીઓએ અરજી કરી હોય અને સ્કોલરશિપ આપવાની બાકી હોય તેઓને સ્કોરલશિપ મળી રહે સાથે સાથે જે યોજનાઓ યુપીએના શાસનમાં હતી તે તમામ યોજનાઓ પુનઃ શરૂ કરવા અને તેનો લાભ તમામ લોકો સુધી પહોંચે તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે.
યુપીએ સરકાર તરફથી પ્રી-મેટ્રીક સ્કોલરશિપ, પોસ્ટ-મેટ્રીક સ્કોલરશિપની સાથે ઘણી રોજગારલક્ષી અને શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી હતી. સાથે-સાથે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રસ્ટ તરફથી પણ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મુકાઈ હતી. દર વર્ષે ૪૦૦૦ કરોડથી પણ વધારે રૂપિયા સ્કોલરશિપ અને અન્ય યોજનાઓ પાછળ ખર્ચ કરવામાં આવતા હતા. વર્ષ : ર૦૦૬-૦૭ના સર્વે અનુસાર ઉચ્ચ અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા માત્ર ૧.પ ટકા જ હતી જે વર્ષ-ર૦૧૪-૧પમાં વધી ૪ ટકાથી પણ વધારે જોવા મળી હતી. પરંતુ પાછલા વર્ષ : ર૦૧૬-૧૭થી આજદિન સુધી માયનોરિટી સમાજની જે યોજનાઓ હતી તેમાં આ ભાજપની સરકાર દ્વારા આંખ આડા કાન કરી સ્કોલરશિપ અને અન્ય યોજનાઓમાં જેમણે અરજીપત્રકો ભર્યા હતા. તેઓને સ્કોલરશિપ આપવામાં આવી નથી. આથી ગુલાબખાન રાઉમાએ પત્રમાં ઉલ્લેખ કરી જણાવ્યું છે કે આ વિષયે ખાસ ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરશો. આપણા દેશની વિકાસ અને પ્રગતિ ત્યારે જ શક્ય બનશે જ્યારે સમગ્ર દેશના લોકો ઉચ્ચઅભ્યાસ કરી શિક્ષિત બનશે. આપણા દેશ કરતા પણ ગરીબ અને પછાત દેશો હવે પ્રગતિ કરી આગળ નીકળી રહ્યા છે અને ૧રપ કરોડથી પણ વધારે વસ્તી ધરાવતા આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ નિરાશ થઈ રહ્યા છે. આ બાબત કઈ રીતે ચલાવી લેવાય ?? આથી સવાર્ંગી વિકાસ માટે યોજનાઓનો અમલ કરવો જરૂરી છે.