ભરૂચ, તા.૩૧
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે હંમેશની જેમ કોંગ્રેસમાં ચૂંટણી મેનેજમેન્ટ અંગે હજી ચહલપહલ જણાતી નથી ત્યારે બીજી તરફ વાગરા વિધાનસભા હસ્તગત કરવા ભાજપ દ્વારા શામ-દામ-દંડ ભેદ થકી તમામ યુક્તિઓ અને પેંતરા આરંભી દેવાયાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧રમાં ગત વિધાનસભા ચૂંટણીમાં વાગરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસમાંથી જ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા સહકારી આગેવાન અરૂણસિંહ રણા સામે પરાજીત થયા હતા. જો કે કોંગ્રેસ અને લઘુમતી સમાજની પહેલેથી જ નસ પારખી ગયેલા અરૂણસિંહ રણાની લઘુમતી સમાજમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પણ કરાગર નિવડી હતી. ગત વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન કરવા તેમજ કોંગ્રેસની સલામત ગણાતી વાગરા વિધાનસભા બેઠક હસ્તગત કરવા ભાજપ દ્વારા છેલ્લા છ માસથી અનેક પેંતરાઓ હાથ ધરી દેવાયા છે જે પૈકી લઘુમતી સમાજના વિઘ્નસંતોષી લોભિયા તત્ત્વોને ગામડે-ગામડેથી શોધીને લોભ લાલચો આપી અપક્ષ ઉમેદવાર કરાવવા માનસિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અન્વયે વાગરા વિધાનસભાના લઘુમતી ગામડાઓમાં અંદાજે ૧૦-૧પ આવા ઈસમોને અપક્ષ ઉમેદવારી કરાવી. સમાજમાં બે ભાગલા પડાવી મતોનું ધ્રુવીકરણ કરવા આયોજનબદ્ધ કવાયત ભાજપ દ્વારા હાથ ધરાઈ રહી છે તો બીજી તરફ આદિવાસી સમાજને ગામડે-ગામડે લઘુમતી સમાજ વિરૂદ્ધ ઉશ્કેરણીજનક અપપ્રચાર પણ શરૂ કરી દેવાયો છે. અત્રે નોંધનીય છે કે એક-એક મતનું ખરું મહત્ત્વ સમાજના ભાજપ દ્વારા શહેરી વિસ્તારોમાં વસવાટ કરતાં બહુમતિ હિન્દુ સમાજના લોકોને પોતાના સ્થાનિક ગામડાઓમાં મતદાર નોંધણી કરવા ભાજપ દ્વારા છેલ્લા એક વર્ષ ઉપરાંતથી કામગીરી આરંભી દેવાઈ છે ત્યારે આ સમગ્ર પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષની હજુ દશા-દિશા નિર્ધારિત થઈ શકી હોય એમ દેખાતું નથી. ગ્રામ્ય કક્ષાના મતદારોમાં પ્રવર્તતા ભાજપ વિરોધી વાતાવરણને કોંગ્રેસ તરફ વાળવા તેમજ મતોમાં પરિવર્તિત કરવા કોંગ્રેસ વહેલીતકે સક્ષમ બનશે ખરી ? કે પછી ર૦૦૭ અને ર૦૧રની જેમ બીજેપીની કાર્યપ્રણાલી સામે ઉણી ઉતરશે ? તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ લઘુમતી સમાજમાં ભાગલાવાદી પ્રવૃત્તિઓ સામે જવાબદાર વડીલો, લોકો ઘણાં ચિંતાતુર બન્યા છે.