(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૭
લઘુમતી સમાજનાં વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ આપવામાં થતાં અન્યાયનાં મુદ્દે આણંદ શહેરમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનાં ઉપક્રમે કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તેમજ લઘુમતી વિદ્યાર્થીઓ માટે આવકનો દાખલો રજૂ કરવા માટેનો પરિપત્ર પરત ખેંચવાની મુસ્લિમ અગ્રણીઓએ માગ કરી હતી.
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનાં મંત્રી હાજી સિરાજભાઈ કુરેશી, મુસ્લિમ અગ્રણી એમ.જી ગુજરાતી, સામાજિક કાર્યકર અસીમ ખેડાવાળા, પૂર્વ કાઉન્સિલર ઐયુબભાઈ બતોલા અને સાહીદઅલી બાપુ સહિત મુસ્લિમ અગ્રણીઓએ કલેકટર ડા.ધવલકુમાર પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે લઘુમતી કોમના બાળકોનો શાળામાં ડ્રોપઆઉટ પ્રમાણમાં ઘટાડો થાય, તેમજ વાલીઓ પોતાનાં બાળકોને શાળામાં મોકલવા માટે પ્રોત્સાહિત થાય અને શિક્ષણનાં ખર્ચમાં નાણાકીય ભારણને ઓછુ થાય તો જ બાળકોનો અભ્યાસમાં ટકાવી અને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરે તે માટે લઘુમતી સમુદાયનાં વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજનાઓની સરકારે અમલવારી કરવી જોઈએ, તેમજ આવકનાં દાખલાને ધ્યાનમાં લીધા વિના ફરજીયાતપણે દરેક વિદ્યાર્થીને સ્કોલરશીપ મળવી જોઈએ, તેમજ લઘુમતી કોમનાં બીપીએલ કુંટુબની દિકરીઓને પણ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ફરજીયાત પણે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીનો દાખલો આપવો પડે છે, જે દૂર કરવા માંગ કરી હતી.
આ પ્રસંગે એમ જી ગુજરાતીએ જણાવ્યું હતું કે અન્ય જાતિની કન્યાઓને તેઓનાં વાલીઓ સરકારી નોકરી કરતા હોવા છતાં આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય ધો.૧૧થી કોલેજ સુધીનાં અભ્યાસક્રમમાં શિષ્યવૃત્તિ ફરજીયાત આપવામાં આવે છે. જયારે લઘુમતી સમાજની ગરીબી રેખા હેઠળ આવતી કન્યાઓને પણ ફરજીયાત પણે આવકનાં દાખલા રજુ કરવા પડે છે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ,અનુ જાતિ અનુ જનજાતિ, વિચરતી જાતિનાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવી ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય ટેબલેટ આપવામાં આવે છે.જયારે લઘુમતી સમુદાયની કન્યા ગરીબી રેખા હેઠળ આવતી હોવા છતાં તેણીને ટેબ્લેટ મળતું નથી. તેમજ સ્કોલરશીપ મેળવવા માટે પણ ફરજીયાત પણે આવકનો દાખલો રજૂ કરવો પડે છે, લઘુમતી સમુદાયનાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ સહાય પણ આપવામાં આવતી નથી.
દર વર્ષે અંદાજે સવા ત્રણ લાખથી વધુ લઘુમતી સમુદાયનાં વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવવા માટે ફોર્મ ભરે છે.જે પૈકી સવા બે લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી જ નથી,જેથી તે વિદ્યાર્થીઓનાં વાલીઓએ કરેલો ખર્ચ માથે પડે છે.તેમજ તેઓએ સક્ષમ અધિકારીનો દાખલો ફરજીયાત રજૂ કરવા જે તા.૨૩-૦૮-૨૦૧૭નાં રોજ પરિપત્ર કરેલ છે. તે પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી. તેમજ મુસલમાન ધોબી, મુસલમાન સુથાર,અને મુસલમાન લુહારને પણ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં જાતિમાં સમાવેશ કરવાની માગણી કરવામાં આવી હતી, આ પ્રસંગે ઈમરાનખાન પઠાણ, ઉજેબ એસ.ભગત, નશરૂદ્દીન રાઠોડ, મહંમદ રિયાઝ શેખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.