રાજપીપળા, તા.ર૭
તિલકવાડા તાલુકાના ફતેપુર ગામે રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને ગામનો જ એક ૧૯ વર્ષીય યુવાન લગ્નની લાલચ આપી ૨૦ દિવસ પહેલા ભગાડી ગયો હતો. આ મામલે પોલીસ તપાસમાં સગીરા પર બળાત્કાર કરાયો હોવાનું બહાર આવતા પોલીસે યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના ફતેપુર ગામનો કિરણ શંકર બારીયા(ઉ.વ.૧૯) ગત ૧૦/૪/૨૦૧૮ ના રોજ રાત્રી દરમિયાન ગામની જ એક સગીરાને લગ્નની લાલચે ફોસલાવી ભગાડી ગયો હતો.બાદ આ મામલે સગીરાના પિતાએ ૧૦મી એપ્રિલે તિલકવાડા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પિતાની ફરિયાદને આધારે પોલીસે બન્નેની તપાસ હાથ ધરતા ૨૬મી એપ્રિલે પોલીસને યુવાન અને ભોગ બનનાર સગીરા પણ મળી આવી હતી.બાદ પોલીસે યુવાનની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા સગીરા સાથે બળાત્કાર થયાનું અને યુવાન સગીરાને અંબાજી લઈ ગયો હોવાનું ખુલ્યું હતું. અંતે પોલીસે અપહરણ, બળાત્કાર અને પોકસોની કલમ હેઠળ કિરણ બારીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં સગીરાને વડોદરા ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ હોવાનું જાણવા મળે છે.