અમદાવાદ,તા. ૨૮
લગ્ન કરવાની લાલચ અને જાળમાં લગ્નઇચ્છુક યુવકોને ફસાવી તેઓની પાસેથી રૂપિયા પડાવી તેઓની ઠગતી ટોળકીમાં લૂંટેરી દુલ્હન સહિત ચાર આરોપીઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. લગ્ને લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન અને તેની ટોળકી દ્વારા અત્યારસુધીમાં ૨૪થી વધુ લોકોને ઠગવામાં આવ્યા હતા અને તેઓની પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાયા હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. શહેર કોટડા પોલીસે આ પ્રકરણમાં લૂંટેરી દુલ્હનકાજલ હસમુખભાઇ પટેલ, તેની માસીની દિકરી રિયા અશોકભાઇ પટેલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી શહેર નજીક આવેલા મહેન્દ્રનગર ખાતે રહેતા ૩૩ વર્ષીય વિજયભાઇ બોપલિયાએ તેમની બાજુના ગામમાં રહેતા રવજીભાઇ કે જેઓ છોકરા-છોકરીના લગ્ન કરાવવાનું કામ કરતાં હોઇ તેમને લગ્ન માટેની વાત કરી હતી. જેથી રવજીભાઇએ અમદાવાદમાં પટેલની છોકરી હોવાનું જણાવ્યું હતું. જેથી વિજયભાઇ તેમના મિત્ર રોહિત, રવજીભાઇ અને કંચનબહેન નામની મહિલા સાથે અમદાવાદમાં સરસપુરની વાસણ શેરીમાં છોકરી જોવા આવ્યા હતા. કાજલ નામની યુવતી, તેના બહેન-બનેવી અને માતા-પિતા સાથે મુલાકાત કર્યા બાદ વિજયભાઇ અને કાજલના લગ્ન નક્કી થયા હતા. લગ્ન પેટે રૂ.૨.૫૦ લાખ આપવાનું વિજયભાઇને યુવતીપક્ષ તરફથી કહેવાયું હતું. બધુ નક્કી થયા મુજબ, તા.૨૦મી સપ્ટેમ્બરે વિજયભાઇ તેમના ફોઇ સહિત અન્ય સગા સાથે ઘીકાંટા કોર્ટમાં લગ્ન કરવા આવ્યા હતા. કાજલ, તેની માતા, બહેન-બનેવી અને માસીની દિકરી રિયા પણ કોર્ટમાં આવ્યા હતા. હિન્દુ વિધિથી કાજલ અને વિજયભાઇના લગ્ન થયા હતા. જેથી વિજયભાઇએ રૂ.૨.૫૦ લાખ કાજલને આપ્યા હતા. પૈસા મળ્યા બાદ કાજલ અને તેના સંબંધીઓએ દસ્તાવેજોની ઝેરોક્ષ કઢાવીને આવીએ છીએ એમ કહી વિજયભાઇને ઉભા રાખી ત્યાંથી નીકળી ગયા હતા. વિજયભાઇએ ઘણી રાહ જોયા બાદ કોઇ નહી આવતાં તેમણે તપાસ કરી પણ કોઇ ના મળ્યું, કાજલનો મોબાઇલ પણ સ્વીચઓફ આવતો હતો. બે-ચાર દિવસ બાદ વિજયભાઇ વાસણશેરીમાં પહોંચ્યા અને તપાસ કરી તો, કાજલ અને તેના બહેન બનેવી મળી આવ્યા હતા. જેથી વિજયભાઇને ઠગાઇના સમગ્ર મામલાનો ખ્યાલ આવી જતાં તેમણે શહેર કોટડા પોલીસમથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી કાજલ હસમુખભાઇ પટેલ, તેની માસીની દિકરી રિયા અશોકભાઇ પટેલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસતપાસમાં ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો કે, કાજલ અને તેના પરિવારના સભ્યોની ટોળકી દ્વારા લગ્ન વાંચ્છુ યુવકોને ભોળવી તેમને લગ્નની જાળમાં ફસાવી તેઓની પાસેથી લાખો રૂપિયા પડાવતી હતી. પોલીસે અત્યારસુધીમાં આ ટોળકીએ કેટલા યુવકોને ફસાવ્યા અને તેઓની પાસેથી કેટલી રકમ પડાવી તે સહિતની બાબતોની તપાસ હાથ ધરી છે.