(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા. ર૮
ધંધુકાના ચન્દ્રાસર ગામનો પરિવાર લીંબડી તાલુકાના મોચીદડ ગામે લગ્ન પ્રસંગમાં આવી રહ્યાં હતા. ત્યારે રાણપુરના ભડકવા ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ ધડાકાભેર કાર ઘુસી જતા ડ્રાઈવર સહિત ચાર જણના મોત થયા હતા. આ ગોઝારો અકસ્માત સર્જાતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ અકસ્માતમાં એટલી હદે ધડાકાભેર કાર ટકરાઈ છે કે કારનો કુરચો બોલી કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. મૃતકોના શબ પણ કારના કાટમાળમાં વિકૃત હાલતમાં થઈ ગયા છે. જ્યારે ફસાયેલાને કાટમાળ કાપી કાપીને બહાર કાઢવા પડ્યા છે. આ ગમખ્યાર અકસ્માતના પગલે હાઈવે ઉપર પણ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાવા પામ્યા છે.
જાણવા મળતી વિગતો અનુસારમાં ધંધુકાના ચન્દ્રાસર ગામના વતની અને હાલમાં ગારિયાધાર ગામે રહેતા ક્ષત્રિય પરિવારના કરણસિંહ દેવુભા અને તેમની સાથે જયદીપસિંહ મહેન્દ્રસિંહ (ઉ.વ.૩૮) તેમજ મીતાબા મહેન્દ્રસિંહ (ઉ.વ. ૩પ) અને વર્ષાબા કરણસિંહ સહિતના બે ક્ષત્રિય પરિવાર જનો સવારના ૯ વાગ્યાના અરસામાં ગારિયાધર ગામેથી ચાલક ધરમશી બાલાભાઈ ચૌહાણને લઈને મોચીદડ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નિકળ્યા હતા.
ત્યારે લીંબડી-રાણપુર વચ્ચે આવેલા ભડકયા ગામ પાસે આગળ જતા ડમ્પર સાથે પાછળના ભાગે આ ક્ષત્રિય સમાજના વ્યક્તિઓની કાર ધડાકાભેર અથડાતા ગાડી કાટમાળમાં ફરવાઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક પરિવારના દંપત્તિ કરણસિંહ દેવુભા, વર્ષાબા કરણસિંહના મોત નિપજ્યા હતા. જ્યારે મિતાબા મહેન્દ્રસિંહનું પણ મોત નિપજ્યું છે. જ્યારે તેમના પુત્ર જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઘાયલ થયા છે. જ્યારે ડ્રાઈવર ધરમશીભાઈ બાલાભાઈ ચૌહાણનું પણ આ અકસ્માતની ઘટનામાં મોત નિપજ્યું છે. મોચીદડ ગામે આ અકસ્માતની જાણકારી મળતા ભારે શોકની લાગણી સાથે માતમ છવાઈ જવા પામ્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનો ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા. ત્યારે મૃતકોને પી.એમ. માટે હાલ લીબડી દવાખાને ખસેડ્યા છે.