(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૧૬
ડીસા તાલુકાના પાલડી ગામમાં અજીબો ગરીબ ઘટના ઘટી હતી. અહીં લગ્ન મંડપમાં જ ચાર શખ્સોએ અન્ય સગાને બોલાવતા મામલો બિચક્યો હતો. જો કે, રોષે ભરાયેલ કન્યા પોલીસ મથકે પહોંચી જતા ગરમાવો સર્જાયો હતો. બાદમાં પોલીસની મધ્યસ્થિતિથી કન્યાને વિદાય અપાઇ હતી અને કન્યાની માતાએ હુમલો કરનાર ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. ડીસા તાલુકાના પાલડી ગામે મદારજી ગજુજી ઠાકોરની દીકરી પીનકાબેનના લગ્ન માટે વડાથી જેતાજી વઘાજી ઠાકોરના પુત્ર કનુજીની જાન પાલડી ગામે આવી હતી. તેવામાં પાલડી ગામના બળવતજી ચેલાજી ઠાકોર, કાંતિજી બલવંતજી, હમીરજી બળવંતજી, અનોપજી હેમચંદજી એક સંપ થઈને જ્યાં લગ્ન પ્રસંગ હતો ત્યાં ધોકા, લાકડીઓ, કાતરો વગેરે લઇને હિચકારો હુમલો કર્યો હતો અને કહેવા લાગ્યા હતા કે, અમારા વિરોધી સંજય બળવંત ઠાકોરને તમારા ઘરે લગ્ન પ્રસંગમાં કેમ બોલાવ્યો છે ? આમ, કહી એકદમ ઉશ્કેરાઇ જઇ લીલાબેન મદારજી ઠાકોર તેમજ તેમના પતિ મદારજી ગજુજીને ધોકા લાકડી વડે માર માર્યો હતો. આ હીચકારો હુમલો થતાં જેના લગ્ન લેવાયા હતા તે કન્યા ભીલડી પોલીસ સ્ટેશનમાં દોડી આવી હતી જ્યાં ભીલડી પીએસઆઈ એસ.વી. આહીરની સમજાવટ બાદ કન્યાને જાન સાથે વિદાય અપાઈ હતી. આમ, ચાલુ લગ્નમંડપમાં હુમલો થતાં હુમલાખોર શખ્સો પ્રત્યે ગામ લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. આ અંગે લીલાબેન મદારજીએ ભીલડી પોલીસ મથકમાં બળવંતજી ચેલાજી ઠાકોર, કાંતિજી બળવંતજી ઠાકોર, હમીરજી બલવંતજી ઠાકોર અનુપજી હેમચંદજી ઠાકોર વિરૂદ્ધ ભિલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.