(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
અમદાવાદથી ત્રણ મહિના પૂર્વે ગુમ થયેલી સગીરા લાજપોર જેલમાં બંધ હોવાના ઘટસ્ફોટ બાદ હવે ગુજરાત રાજ્યની મહિલા આયોગ સક્રિય થઈ હોવાનું જાણવા મળ્યું છે. મહિલા આયોગ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અને અમદાવાદ પોલીસ કમિશનરને સમગ્ર પ્રકરણમાં વહેલી તકે તપાસ કરીને રિપોર્ટની માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં સગીરાને લાજપોર જેલમાં બંધ કરવામાં જવાબદાર અધિકારી- કર્મચારી વિરૂદ્ધ તવાઇની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ખાતે મામાને ઘરે નવરાત્રીમાં રહેવા માટે ગયેલી સગીરા પિંકી (નામ બદલ્યું છે) અચાનક ગાયબ થઇ ગઇ હતી. જે સંદર્ભે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં સગીરાના મિસીંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચાર માસ બાદ અચાનક ગુમ થયેલી સગીરાએ તેણીને મોટી બહેનને ફોન કરીને આપવીતી જમાવી હતી. સગીરા હાલ લાજપોર જેલમાં હત્યાના ગુનામાં બંધ હોવાની કેફિયતને પગલે પરિવારજનોમાં પણ આશ્ચર્ય સાથે આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી. સમગ્ર પ્રકરણમાં સુરત શહેરના કતારગામ પોલીસ દ્વારા કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે. લાજપોર જેલમાં બંધ સગીરાના પરિવારજનો જ્યારે કતારગામ પોલીસ મથકે પુત્રી સગીરા હોવાના પ્રમાણપત્રો સાથે રજૂઆત કરવા પહોંચ્યા તો ત્યાં તેઓને ડરાવી – ધમકાવી ખોટા કેસ કરવાનું જણાવ્યું હતું. હવે આ સમગ્ર પ્રકરણમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા નિષ્પક્ષ તપાસ માટે સુરત અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સંભવતઃ કતારગામ પોલીસ દ્વારા સગીરા વિરૂદ્ધ લાપરવાહી દાખવીને નારી સંરક્ષણ ગૃહ કે બાળ સુધાર કેન્દ્રમાં મોકલવાને બદલે લાજપોર જેલમાં બંધ કરવાના આ સંમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં નાટકિય વળાંકો જોવા મળી શકે તેમ છે.