(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
દક્ષિણ ગુજરાતની લાજપોર જેલ કેદીઓ માટે સુરક્ષીત છે, પરંતુ મુલાકાતીઓ માટે સુરક્ષીત નથી. પાંચ દિવસ પહેલા સંબંધીને મળવા ગયેલા રાણીતળાવના એક યુવકની ઝડતી કર્યા બાદ બે પોલીસવાળાએ બેગ જેલની બહાર જ મુકાવી હતી. પરંતુ પરત તેઓ આવ્યા ત્યારે બેગ ન હતી. જેની જાણ પોલીસવાળાને કરવામાં આવતા પોલીસે આશ્વાસન આપલાને બદલે કહ્યું કે જેલના સીસીટીવી કેમેરા બંધ છે, તમારે ફરિયાદ કરવી હોય તો કરો. જે અંગે સચીન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.ર૧મી સપ્ટેમ્બરના રોજ રાણીતળાવ સોની સ્ટ્રીટ મર્કસ મસ્જીદની ગલીમાં રહેતા સાકીર યુનુસભાઇ જરીવાલા તેના કોઇ સંબંધીને લાજપોર જેલમાં મળવા માટે ગયા હતા. લાજપોર જેલમાં મોબાઇલ અંદર લઇ જવાનો પ્રતિબંધ હોવાથી લાજપોર જેલના મેઇન ગેટની બહાર ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ દ્વારા સાકીરભાઇની તપાસ કરીને તેઓની પાસે જે બેગ હતી તેમાં મોબાઇલ મુકાવીને બેગને બહારથી એક કેબીનમાં મુકવા માટે કહ્યું હતું. સાકીરભાઇ બેગ મુકીને અંદર મુલાકાત માટે ગયા હતા, તેઓ પરત આવ્યા ત્યારે તેઓની બેગ ન હતી. બનાવની જાણ સાકીરે પોલીસવાળાને કરતા પોલીસે આશ્વાસન આપલાને કહ્યું કે જેલના સીસીટીવી કેમેરા બંધ છે, તમારે ફરિયાદ કરવી હોય તો કરો. જે અંગે સચીન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
બનાવ અંગે જે પોલીસ કર્મીએ તેઓની ઝડતી લીધી હતી તેઓને મોબાઇલ અંગે પુછવામાં આવતા પોલીસ દ્વારા તોછડાઇ ભર્યું વર્તન અપનાવાયું હતું. સાકીરભાઇએ બહારના સીસીટીવી કેમેરા ચેક કરવાની વાત કરતા પોલીસ ઉશ્કેરાઇ ગઇ હતી અને કહ્યું હતું કે, આ કેમેરા છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે અને રીપેર કરાવવાના છે. જોકે, સાકીરભાઇએ પોલીસ સાથે જીભાજોડી કરવાને બદલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને બાદમાં સચીન પોલીસ મથકે બે મોબાઇલ તેમજ બેગ સહિતની ચીજ વસ્તુઓ ગુમ થવા અંગેની જાણવા જોગ ફરિયાદ આપી હતી. પોલીસે આ ફરિયાદને આધારે તપાસ શરુ કરી હતી. ઘટના બન્યાને સાત જેટલા દિવસ વિતી ગયા હોવા છતાં પોલીસે તેમાં કશું ખાસ તપાસ કરી નથી, માત્ર ફરિયાદીને આશ્વાસન આપીને તપાસ ચાલુ છે તેવું જણાવ્યું હતું.