(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલ કિરણ ગેસ એન્ડ સર્વિસની ઓફિસમાં ગેસ વિતરણની અદાવત રાખી પલસાણા જાળવા ગામના ના બે આરોપીઓએ ગેસ વિક્રેતા તથા ક્લાર્ક પર લાકડીના સપાટા મારી ઓફિસના કાચ તોડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જાળવા ગામની ઘનશ્યામ રેસીડેન્સી વિભાગ-૧ ખાતે ભવરસિંહ ચુડાવત રહે છે. તેમની એક કિરણ ગેસ એન્ડ સર્વિસની ઓફિસ જાળવા ગામની શુભમ રેસીડેન્સીમાં આવેલી છે. ગતરોજ રાત્રિના સુમારે ગેસ વિતરણની અદાવત રાખી પલસાણા જાળવાના રહેવાસી રાજુભાઈ મેવાડા તથા પુત્ર અશોક મેવાડાએ એકબીજાની મદદગારી કરી ભવરસિંહ ચુડાવત તથા ક્લાર્ક લક્ષ્મણસિંહના માથામાં લાકડીના સપાટા મારી ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત અને ગેસ વિક્રેતા ભવરસિંહ ચુડાવતે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.