(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૯
પત્નીના અન્ય યુવાન સાથે પ્રેમસંબંધ હોવાની બાબતે રવિવારે મોડીરાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને કાસળ કાઢી નાંખ્યું હતું. જે અંગેની ફરિયાદ જવાહરનગર પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના ગોરવા વિસ્તાર પંચવટી ખાતે આવેલ શ્રીરામનગરમાં દિલીપ યુવરાજ ખેરનાર તેની પત્ની રેખા સાથે રહેતો હતો અને છુટક મજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેના ઘરની થોડે દુર અને તેનાજ વિસ્તારમાં રહેતા ઇમરાન રાઠોડ સાથે મિત્રતા થઇ હતી. જેથી ઇમરાન રાઠોડ અવારનવાર દિલીપ ખેરનારને ત્યાં આવતો હતો એ દરમિયાન દિલીપની પત્ની રેખા અને ઇમરાન વચ્ચે પ્રેમ સંબંધો પાંગર્યા હતા. જેથી ઇમરાન મિત્ર દિલીપની ગેરહાજરીમાં પણ આવતો જતો હતો જે અંગેની જાણ દિલીપને થતા દિલીપ અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઇમરાન રાઠોડને લઇને ઝઘડા થતા હતા. તદ્દઉપરાંત દિલીપે ઇમરાનને પોતાના ઘરે ન આવવાનું પણ જણાવી દીધું હતું. તેમ છતાં પત્ની રેખા અને ઇમરાન વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું હતું. રવિવારે રાત્રે દિલીપ અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થતા દિલીપની બાજુમાં રહેતા તેનો મિત્ર પર્વતસિંહ નારસિંહ સોલંકી દોડી આવ્યો હતો અને પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોષે ભરાયેલા દિલીપે લાકડાનો ઠંડો લઇ પત્નીના મોઢા ઉપર અને માથાના ભાગે ફટકાર્યા હતા. જેમાં પત્નીને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેની લોહીલુહાણ સાથે ફસડાઇ પડી હતી. ત્યારબાદ તેણીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવાતા તબીબે દિલીપની પત્નીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ આ બનાવની જાણ જવાહરનગર પોલીસને કરવામાં આવતા જવાહરનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હત્યારા પતિની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.