(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
ભાજપના લઘુમતિ કોમના આગેવાન અને ઉદ્યોગકાર કાદર વાડીવાળાને માફિયા એજાઝ લાકડાવાળાએ મેસેજ કરી ધમકી આપી હતી. જે આરોપીએ જણાવ્યું હતું કે ‘મેરે કોલ કા જવાબ નહીં દેગા, તો ભેજે મે લગેગી’નો મેસેજ કરનાર એજાઝ લાકડાવાળા (હિરોભાઈ)એ આ મોકલેલા મેસેજની ડીસીબ પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે કાદર વાડીવાળાની ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે પછી આ મેસેજ ક્યાંંથી આવ્યો છે ? એ અંગેની તપાસ કરવા માટે જે-તે મોબાઈલ કંપની પાસેથી વિગતો મેળવવામાં આવશે તેમજ ફરિયાદી કાદર વાડીવાળાની સ્થાનિક કક્ષાએ કોઇની સાથે દુશ્મનાવટ હોય અથવા તો જમીનની લે-વેચમાં બબાલ થઇ હોય તો એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. દાઉદ ગેંગના ગેસ્ટર એજાઝ લાકડાવાળા અનેક ગુનામાં વોન્ટેડ છે. ફરિયાદી કાદર વાડીવાળા મુસ્લિમ સમાજમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. વર્ષોથી ભાજપ પક્ષ સાથે સકળાયેલા છે. ભાજપના ઓલ ઈન્ડિયા લઘુમતી મોરચાના સભ્ય ઉપરાંત કેન્દ્ર સરકારના નેશનલ કાઉન્સિલ ફોર ઉર્દૂ લેંગ્વેજના સભ્ય છે. કાદર વાડીવાળાને અંધારી આલમ તરફથી ધમકી મળતા ખળભળાટ વ્યાપી ગયો.