(એજન્સી) લખનઉ, તા. ૨૧
ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં ભાજપ સાથે સંલગ્ન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સંચાલિત ૧૭માંથી એક શિશુ વિદ્યા મંદિર શાળા તેની અનોખી બાબત માટે જુદી પડી રહી છે. આ શાળાઓમાં મોટાભાગે હિંદુ રાષ્ટ્ર બનાવવા માટેની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. પરંતુ સંઘની આ શાળામાં ભણતા ૨૨૫ વિદ્યાર્થીઓમાંથી ૬૭ બાળકો મુસ્લિમ છે. આ શાળાની વાસ્તવિકતા એ છે કે, તે વર્ષ ૧૯૫૯માં શરૂ થયેલું સૌથી જૂનું શિશુ વિદ્યા મંદિર છે અને અહીં બે મુસ્લિમ શિક્ષક પણ મુસ્લિમ છે.
આ બાબત માટે સૌથી મોટું કારણ સ્થળ પણ છે. મોડલ હાઉસ અને મછલી મોહાલમાં આવેલી શાળાની આસપાસ મોટાભાગે મુસ્લિમ વસ્તી રહેલી છે. આ ઉપરાંત ગોલાગંજ અને તકરોહીમાં આવેલી શિશુ વિદ્યા મંદિરમાં પણ ઘણા મુસ્લિમ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૯થી સ્કૂલના પ્રિન્સિપાલ રહેલા વિનોદ અવસ્થી તેને ભૌગોલિક કારણ માનતા નથી. તેમણે કહ્યું કે, થોડા કિલોમીટરના ગાળામાં અમારી ૪૨ શાળાઓ ચાલી રહી છે અને લોકો પોતાની પસંદગીથી તેમના બાળકોને અહીં પ્રવેશ અપાવે છે. તેમણે કહ્યું કે, આ શાળાઓ સંસ્કૃતિને મહત્ત્વ આપે છે ધર્મને નહીં. અમે અમારા વિદ્યાર્થીઓેને એમ પણ કહીએ છીએ કે, જો તેમનો ધર્મ પરવાનગી ન આપે તો તેઓએ હાથ જોડવા અને મોટા લોકોના પગ સ્પર્શવાની જરૂર નથી. આને કારણે બાળકોના વાલીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે. શિશુ વિદ્યા મંદિરમાં ભણતી મરિયમ ફાતિમાની માતા અકસર બાનુએ જણાવ્યું હતું કે, કેટલાક ઓળખીતાઓએ તેમને આ શાળાથી દૂર રહેવા સલાહ આપી પરંતુ તેણે કહ્યું કે, હું પોતે જાણું છું કે, ઘણા મુસ્લિમ બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે.
અહીં લોકોમાં ઘણી ખોટી ધારણાઓ અને ગેરસમજ હતી કારણ કે તેઓ અહીં આવ્યા જ નહોતા. જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે, અહીં લોકો દ્વારા ચાલી રહેલી વાતોમાંથી કોઇ પ્રવૃત્તિ એવી નહોતી.