(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
શહેરનાં વિવિધ ચાર સ્થળોએ ત્રાટકેલા તસ્કરો ચાર મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તા ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી હતી. આ સાથે સતત પેટ્રોલીંગ કરતાં હોવાની ગુલબાંગો ફ્રેકની પોલીસ ચોરીના બનાવો ડામવામાં નિષ્ફળ પુરવાર થઇ છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાંદલજા સનફાર્મા રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં રહેતાં જીગ્નેશભાઇ ચંદ્રકાંતભાઇ ગાંધી પોતાના મકાનને તાળું મારી બહારગામ ગયા હતાં તે સમયે તેમના મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનની તિજોરી તોડી અંદરની સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૮૮ હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે જે.પી. પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ઉંડેરા ગામ ખાતે ભાઇલાલપાર્ક સોસાયટીનાં મકાન નં.ડી-૧૧ માં રહેતો અને અભ્યાસ કરતાં ભૂમિબેન રમેશભાઇ પટેલનાં મકાનમાં ભરબપોરે ત્રાટકેલા જાણભેદુ તસ્કરો મકાનમાં પ્રવેશી મકાનમાં તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી ૮૯,૫૦૦ રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હતા. બનાવ અંગે જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં વારસીયા રોડ પર આવેલ પોલ પાર્ક સોસાયટીમાં રહેતાં તથા મૂળ ખેડાના વતની રાહુલભાઇ શૈલેષભાઇ સરવૈેયાના બંધ મકાનમાં તાળાં તોડી તસ્કરો હજારોની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે સીટી પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સયાજીગંજ નટરાજ ટાઉનશીપમાં રહેતાં પ્રવિણભાઇ તડવીનાં શેઠનાં અલકાપુરી અરૂણોદય સોસાયટી સ્થિત બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો ચોરી કરી ગયા હતા. મકાન માલિક બહારથી પરત આવે ત્યારે કેટલીક મત્તાની ચોરી થઇ છે તે અંગે ચોક્કસ માહિતી મળશે. જોકે, લાખો રૂપિયાની ચોરી થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સયાજીગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.