અમદાવાદ,તા.૯
આજકાલ નાણાંની લેતી દેતીમાં હત્યાના બનાવો સામાન્ય બની ગયા છે. તેમાંય મિલકત માટે તો સગાભાઈ ભાઈની હત્યા કરી દે તો સગો દીકરો પિતાનું ખૂન કરી દેતા પણ ચચકાતો નથી. આવા ઘોર કળિયુગમાં જો કોઈને રૂા.૧પ લાખના દાગીના અને રૂા.૧૮ લાખ રોકડ ભરેલી બેગ મળે તો શું તે બેગને તેના મૂળ માલિકને પરત કરે ખરો ? તો તમારો જવાબ હશે ના પરંતુ અમદાવાદ શહેરના લાલદરવાજા સ્થિત પટવાશેરી વિસ્તારમાં રહેતા રિક્ષા ડ્રાઈવર આલમખાને લાખો રૂપિયા અને સોનાના દાગીના ભરેલી બેગ તેના મૂળમાલિકને પરત કરી ઘોર કળીયુગમાં પણ ઈમાનદારીનું દૃષ્ટાંત પુરૂ પાડયું છે. બેગ પરત કરનારા રિક્ષા ડ્રાઈવર આલમખાને જણાવ્યું હતું કે સોમવારે તા.૭ મે ના રોજ સવારે હું રિલીફ રોડ ઉપર ઉભો હતો. ત્યારે બે મહિલા અને એક યુવાન મારી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસીને મિરઝાપુરની મેટ્રો કોર્ટમાં ગયા હતા. ત્યાંથી તેઓને ઉતારીને હું અન્ય પેસેન્જરને બેસાડી ડ્રાઈવ-ઈન રોડ ખાતે ગયો હતો. ત્યાં પેસેન્જરને ઉતાર્યું ત્યાર બાદ ખબર પડી કે કોર્ટ ખાતે ઉતરેલા પેસેન્જરે રિક્ષાની પાછળની ડેકીમાં મુકેલી બેગ તેઓ ભૂલી ગયા છે. ત્યારે પરત કોર્ટમાં આવ્યો હતો. પરંતુ તેઓ મળ્યા નહીં. એટલે કોર્ટની બહાર કલાકો સુધી બેસી રહ્યો પણ તેઓ મળ્યા નહીં ત્યારે તેઓને જયાંથી રિક્ષામાં બેસાડયા હતા તે રીલીફ રોડ વાળી જગ્યાએ ગયો તો તે બેગના માલિક મળી ગયા હતા તે યુવાજને તો મને ભેટી પડયો હતો તેમજ તેની સાથેની મહિલાએ રડતા રડતા મારો આભાર માન્યો હતો. તેઓએ કીધુ કે અમારી જીવનભરની મુડી એવી રૂા.૧પ લાખના દાગીના રૂા.૧૮ લાખ રોકડા અને જમીન મકાનના ઓરીજનલ દસ્તાવેજો હતા. આ બેગ પરત આપતા તેઓ ખુશ થઈ ગયા હતા અને મને તેમનો મોબાઈલ નંબર આપીને મને કહ્યું કે જયારે જીવનમાં કોઈપણ તકલીફ પડે અમને ફોન કરજો અમે આવીશું. ભાડાના ઘરમાં રહેતા અને ભાડાની રિક્ષા ચલાવતા આલમખાને વધુમાં જણાવ્યું હતું કે આ પહેલી વખત મેં બેગ પરત કરી એવું નથી. અગાઉ રખિયાલમાં મારી રિક્ષામાં પેસેન્જર બેગની સાથે સાથે તેમનું બાળક પણ ભૂલી ગયા હતા. જયારે સેટેલાઈટ વિસ્તારમાં પણ એક વ્યકિત રિક્ષામાં બેગ ભૂલી ગયો હતો. તેને પણ બેગ પરત કરી હતી. હું ઈમાનદારીથી જેમ મહેનત કરીને કમાઉ છું તેમ અન્ય લોકો પણ મહેનતથી કમાય છે. ત્યારે કોઈની મહેનતની કમાણીને હું કેવી રીતે લઈ શકું ? બેગ પરત મેળવનારા સની મેકવાને મીડિયાને જણાવ્યું હતું કે રિક્ષા ડ્રાઈવરને બેગ સાથે જોઈને મારી ખુશીનો પાર રહ્યો ન હતો. જયારે બેગ મળી તો ચેક કર્યું તો તેમાં બધુ જેમનું તેમ જ હતું. ત્યારે મે રિક્ષા ડ્રાઈવર આલમખાન પઠાણને થોડા રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેઓ કંઈપણ સ્વીકારવા માટે તૈયાર ન હતા. લોકોએ સમજાવ્યા ત્યારે તેઓ રાજી થયા હતા.