નવી દિલ્હી,તા.૨૫
લક્ષ્ય સેન ગ્લાસગોમાં સ્કોટિશ ઓપન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો હતો. લક્ષ્યે ફાઇનલમાં બ્રાઝીલના કોહેલોને ૧૮-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૯થી હરાવ્યો હતો. તેણે ૫૬ મિનિટમાં મેચ પોતાના નામે કરી હતી. છેલ્લા છેલ્લા ત્રણ મહિનામાં ચોથું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
તે સ્કોટિશ ઓપન જીતનાર ચોથો ભારતીય બન્યો છે. તેની પહેલા આનંદ પવાર (૨૦૧૦ અને ૨૦૧૨), અરવિંદ ભટ્ટ (૨૦૦૪) અને ગોપીચંદ (૧૯૯૯) આ ટૂર્નામેન્ટ જીત્યા હતા. આ જીત સાથે લક્ષ્ય બીડબ્લ્યુએફ રેન્કિંગમાં ટોપ-૪૦માં આવી ગયો છે.
૧૮ વર્ષીય શટલરે સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીમાં ચાર ટૂર્નામેન્ટ જીત્યો છે. તેમાં સારલોરલક્સ અને ડચ ઓપન સાથે બેલ્જીયન ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે. હવે તે મંગળવારે લખનૌમાં શરૂ થતી સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર-૩૦૦ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.