(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.ર૧
પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ પદ માટે આજે પાલિકા સભાખંડ ખાતે સવારે ૧૧ઃ૦૦ કલાકે પાટણના ઈ.ચા. પ્રાંત અધિકારી વ. ચૂંટણી અધિકારી જે.એમ. તુંવરની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રારંભમાં પ્રાંત અધિકારી દ્વારા ઉપપ્રમુખની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને ફોર્મનું વિતરણ કરવામાં આવતા ભાજપના ડૉ. નરેશ દવે અને કોંગ્રેસના ભરત ભાટિયાએ ફોર્મ સ્વીકાર્યા હતા અને નિયત સમયમર્યાદામાં આ બંને ફોર્મ પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્ર સ્વીકારવાની સમયમર્યાદા પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી દ્વારા રજૂ થયેલા ઉમેદવારીપત્ર અંગે જાહેરાત કરી હતી. સૌ પ્રથમ ડૉ. નરેશ દવે દ્વારા રજૂ થયેલા ઉમેદવારીપત્રમાં ઉપપ્રુમખ તરીકે લાલેશ ડી. ઠક્કરનું નામ રજૂ કરાયું હતું. જેમાં ડૉ. નરેશ દવેએ દરખાસ્ત મૂકી હતી અને મહેશ પટેલે ટેકો જાહેર કર્યો હતો. જ્યારે બીજા ઉમેદવારીપત્રમાં ઉપપ્રમુખ પદ માટે લાલેશ ડી. ઠક્કરનું નામ રજૂ કરાયું હતું. જેની દરખાસ્ત ભરત ભાટિયાએ અને ટેકો મુમતાજબેન શેખે કર્યો હતો. આમ બંને ઉમેદવારીપત્રોમાં એક જ ઉમેદવારનું નામ હોવાથી ચૂંટણી અધિકારીએ લાલેશ ડી. ઠક્કરને પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે બિન હરીફ વિજેતા જાહેર કરાયા હતા. પાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ૪૪ સભ્યોએ સર્વાનુમતે કોંગ્રેસના ઉમેદવાર લાલેશ ડી. ઠક્કરને ઉપપ્રમુખપદે બિનહરીફ વિજેતા બનાવતા એક નવો ઈતિહાસ રચાયો હતો.
આજની આ ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે સિદ્ધપુરના પ્રાંત ઓફિસર અને પાટણના ઈ.ચા. પ્રાંત અધિકારી જે.એમ. તુંવર, પાલિકા ચીફ ઓફિસર આર.એચ. પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારી ફલજીભાઈ ચૌધરી, પાલિકાના ઓ.એસ. જય રામી ઉપસ્થિત રહ્યા હતા.