(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૭
જનાદેશથી ચૂંટાયેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને ભાજપ હાઈકમાન્ડના આદેશથી ભાજપમાં ખેંચી લાવવાના પ્રયાસો તેજ બનાવી દેવાયા છે. ભૂતકાળમાં અનેક ધારાસભ્યો સત્તા અને નાણાંની લાલચમાં પક્ષાંતર કરી ચૂકયા છે. તેમાંથી અમુક કદાવર નેતાઓ સફળ પણ થયા છે. તો અમુક હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ત્યારે વધુ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાવાની અફવા બાદ ૪ ધારાસભ્યોએ મીડિયા સામે આવી આ વાતને નકારી દીધી છે.
કોંગ્રેસના જે ૫ ધારાસભ્યોના નામ બતાવવામાં આવી રહ્યા હતા, તેમાંથી લલિત વસોયા, ધવલસિંહ ઝાલા, કિરીટ પટેલ અને અલ્પેશ ઠાકોરે મીડિયા સામે આવીને આ વાતને નકારી દીધી છે. તેમણે ભાજપમાં જોડાવવાની વાતને અફવા માત્ર ગણાવી હતી.
કોંગ્રેસના લલિત વસોયાએ ધારાસભ્યોના પક્ષપલટાને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. લલિત વસોયાએ જણાવ્યું કે, હાલ અમારા જે ધારાસભ્યો ભાજપમાં જોડાવવાની અફવા ફેલાઇ રહી છે તે ખોટી, અને જ્યાં સુધી મારી વાત છે તો હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવું. ભાજપમાં જોડાવા કરતા આત્મહત્યા કરવાનું પસંદ કરીશ.
તો પક્ષપલટા અંગે સ્ન્છ ધવલસિંહ ઝાલાએ પોતાનું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું, હતું કે હાલ મારા વિશે જે વાતો ફેલાઇ રહી છે તે અફવા છે. હું કોંગ્રેસમાં જ છું અને રહીશ. તો કિરીટ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, ભાજપમાં હું જોડાઈશ તે માત્ર અફવા છે. હું ક્યારેય પ્રજાનો વિશ્વાસ નહી તોડું. હું કોંગ્રેસમાં જોડાયેલો રહીશ. હું ભાજપની કોઇ ધાક ધમકીને વશ થઇશ નહીં. તો અલ્પેશ ઠાકોરે પણ ભાજપમાં જોડાવા અંગે રદીયો આપ્યો હતો, તેમણે કહ્યું કે, મેં ક્યારેય કહ્યું નથી કે હું ભાજપમાં જોડાવવાનું છું. હું સ્પષ્ટ કહું છું કે, હું ભાજપમાં જોડાવવાનો નથી. કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડવાની ચાલેલી રાજકીય અટકળો વચ્ચે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનો એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાવાનો નથી જો કે તેમણે એમ પણ કહ્યું કે ઉત્તર અને મધ્યગુજરાતની મને ખબર નથી. તેમણે ભાજપ ચૂંટણી જીતવા આવા ખેલ કરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ખેડુત વિરોધી માનસિકતા ધરાવતા લોકો સાથે બેસવા કરતા આત્મહત્યા કરવાનું પસંદ કરીશ.