ધોરાજી, તા.૧પ
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ભાદર-ર ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડવા માગણી કરી છે.
અપૂરતા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો મોલ સૂકાઈ રહ્યો છે. ત્યારે ધોરાજી પાસે આવેલ ભાદર-ર ડેમ જેતપુરના કેમિકલયુકત પાણીથી ભરેલો છે. હાલમાં કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. શિયાળુ પાક માટે પણ પાણી છે અને પીવા માટે અનામત રાખવામાં આવે તો પણ પાણીનો સરપલ્સ જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. આ વધારાનું પાણી ખેડૂતો પાસેથી ચાર્જ લઈ નદીમાં છોડવા માટે તાત્કાલિક યોગ્ય કરવા. હું રજૂઆત એટલા માટે કરું છું કે, નદીમાં પાણી છોડવા માટે ખેડૂતોએ ૯ દિવસ પહેલા લેખિતમાં માગણી કરી છે. મેં ૯ દિવસ પહેલા સિંચાઈ મંત્રીને પત્ર લખી તાત્કાલિક પાણી છોડવાની માગણી કરી છે. અનેક વખત ડેપ્યુટી એન્જિનીયર શ્રી મકવાણા સરકલમાં વોરા અને એ.સી.ચોવટિયાને રજૂઆત કરી છે. છતાં એ હજુ ખેડૂતોની વ્યાજબી રજૂઆતની દરખાસ્ત ગાંધીનગર પહોંચી નથી. ખેડૂતોને ઉભો પાક સૂકાઈ રહ્યો છે ત્યારે સરકાર અને સરકારી તંત્રની આવી લાપરવાહી હજારો ખેડૂતોને પાયમાલ તરફ ધકેલી રહી છે. રજૂઆતો કરવાથી પ્રશ્નનું નિરાકરણ નથી આવતું એવું હવે ખેડૂતોને લાગી રહ્યું છે ત્યારે જો ગુરૂવાર સુધીમાં પાણી છોડવામાં નહીં આવે તો શુક્રવારે હું ખેડૂતોને સાથે લઈ હાથે પાણી છોડવા મજબુર થઈશ.