(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
ગુજરાતના કોમી રમખાણો બાદ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રાજીનામા માગવા અંગે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી વચ્ચે મતભેદો થયા હતા. ગુજરાતના ૨૦૦૨ના રમખાણો બાદ અડવાણીના કહેવાથી મોદી રાજીનામું આપવા માટે તૈયાર હતા. અડવાણીએ પોતાના એક લેખમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. લેખમાં અડવાણીએ નરેન્દ્ર મોદીના રાજીનામા અંગે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે પોતાના મદભેદોનો પણ સ્વીકાર કર્યો છે. અડવાણીએ લેખમાં એવું પણ લખ્યું છે કે ગુજરાતના રમખાણો બાદ ગોવામાં યોજાયેલી ભાજપની કારોબારીની બેઠકમાં નરેન્દ્ર મોદીના રાજીનામા અંગે વાજપેયીને તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે મોદીએ રાજીનામું આપવાની ઓફર કરવી જોઇએ. અડવાણીએ એવું પણ લખ્યું છે ‘મેં વાજપેયીને કહ્યું હતું કે જો મોદીના રાજીનામાથી સ્થિતિ સુધરતી હોય તો તાકીદે રાજીનામું લઇ લેવું જોઇએ. મારૂં એવું માનવું હતું કે મોદીના રાજીનામાથી પરિસ્થિતિ સુધરશે નહીં. જ્યારે મેં કારોબારીની બેઠકમાં મોદીને રાજીનામાનો પ્રસ્તાવ રજૂ કરવાની વાત કરી તો, તેઓ તરતજ તૈયાર થઇ ગયા હતા.’
અટલ બિહારી વાજપેયી સાથે પોતાની ગાઢ મૈત્રીનો ઉલ્લેખ કરતા અડવાણીએ પોતાના લેખમાં જણાવ્યું છે કે ભાજપ અને શાસક એનડીએમાં કેટલાક લોકો એવું વિચારવા લાગ્યા હતા કે મોદીએ હોદ્દો છોડી દેવો જોઇએ, તેમ છતાં આ વિષય પર મારો વિચાર બિલકુલ અલગ હતો. અડવાણીએ લખ્યું છે કેે મારા મંતવ્ય મુજબ મોદી અપરાધી ન હતા પરંતુ તેઓ પોતે રાજનીતિનો ભોગ બની ગયા હતા. તેથી મેં અનુભવ કર્યો કે એક વર્ષથી પણ ઓછા સમયમાં મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીને જિટલ સાંપ્રદાયિક સ્થિતિનો શિકાર બનાવવાનું અન્યાયપૂર્ણ હશે. તેમણે કહ્યું કે આ પરિસ્થિતિનો અટલજીના મન પર ભારે બોજો હતો. મોદી પાસે રાજીનામું માગવા માટે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે ૨૦૦૨માં ગોવામાં ભાજપની કારોબારીની બેઠકમાં જસવંતસિંહે પૂછ્યું કે અટલજી તમે શું વિચારો છો તો, અટલજીએ કહ્યું હતું કે ઓછામાં ઓછું રાજીનામાની ઓફર તો કરતા.