(એજન્સી) નવી દિલ્હી, તા.૮
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ સામે સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. ઇડીએ લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યોની ત્રણ એકર જમીન જપ્ત કરી લીધી છે. આઈઆરસીટીસીને હોટલ ફાળવવાના મામલામાં લાલુ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલી સતત વધી રહી છે. ઇડીએ આ સમગ્ર મામલાથી જોડાયેલા લાલુ અને તેમના પરિવારની ત્રણ એકર જમીનને જપ્ત કરી લીધી છે. પટણા સ્થિત આ સંપત્તિની કિંમત ૪૫ કરોડ રૂપિયાની આસપાસની હોવાની માહિતી મળી છે. ઇડીના સૂત્રોએ કહ્યું છે કે, આ જમીન લાલુ યાદવના પરિવારના લોકોના નામ ઉપર હતી અને હાલના સમયમાં તેના પર મોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ઇડીએ હાલમાં આ જમીનને પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કબજામાં લઇ લેવામાં આવી છે. ગયા સપ્તાહમાં જ કેન્દ્રીય તપાસ સંસ્થાએ આ સમગ્ર મામલામાં લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી દેવીની પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની પણ બે વખત પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સીએ જુલાઈ મહિનામાં લાલુ પ્રસાદ યાદવ, તેમના પરિવારના સભ્યો, અન્યોની સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા સીબીઆઈએ લાલુ અને તેમના પરિવારની સામે એફઆઈઆર દાખલ કરી લીધા બાદ તેમના કેટલાક સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. સીબીઆઈની એફઆઈઆર મુજબ યુપીએ-૧ સરકારના ગાળા દરમિયાન લાલુ યાદવે રેલવેમંત્રી તરીકેના ગાળા દરમિયાન આઈઆરસીટીસીની બે હોટલોની જાળવણીનો કોન્ટ્રાક્ટ એક કંપનીને લાંચ તરીકે આપી દીધો હતો. આ લાંચ તરીકે પટણામાં જમીનની વાત સપાટી પર આવી હતી.