નવી દિલ્હી,તા. ૯
ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળના વડા લાલૂ પ્રસાદ યાદવની પેરોલ મંજુર કરી લેવામાં આવી છે. હવે તેઓ પોતાના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્નમાં હાજરી આપશે. પાંચ દિવસના પેરોલ ઉપર જેલની બહાર આવી શકશે. આ માહિતી લાલૂના વકીલ અને તેમના નજીકના લોકો દ્વારા આપવામાં આવી છે. તેજપ્રતાપ યાદવ અને બિહારના પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યાના ૧૨મી મેના દિવસે લગ્ન થનાર છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ કેસના સંદર્ભમાં ખાસ સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કરીને કઠોર સજા ફટકારી હતી. લાલૂ યાદવ ડિસેમ્બર મહિનાથી જેલમાં છે. હાલમાં સારવાર માટે રાંચી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. બુધવારની સાંજે પટણા પહોંચ્યા હતા. ગયા સપ્તાહમાં લાલૂ યાદવે જામીન માટે ઝારખંડ હાઈકોર્ટની સમક્ષ અરજી કરી હતી પરંતુ વકીલોની હડતાળના કારણે ન્યાયિક કામગીરી હાથ ધરી શકાય ન હતી. ત્યારબાદ લાલૂ પ્રસાદે પોલીસ મહાનિર્દેશક સમક્ષ આ સંદર્ભમાં અરજી કરી હતી. લાલૂ યાદવને ત્રણ ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠેરવાયા છે અને હાલમાં જેલમાં છે.