(એજન્સી) મુંબઈ, તા.૨૧
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની તબિયતમાં સતત લથડી રહી છે. તેમના પુત્ર અને બિહારના પૂર્વ ડે.સીએમ તેજસ્વી યાદવના સોમવારે આ વાતની જાણકારી આપી. તેજસ્વી સોમવારે પોતાના પિતાને મળવા મુંબઈના એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યુટ હોસ્પિટલ પહોંચ્યા હતા.
તેજસ્વીએ ટ્‌વીટ કર્યું કે એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યુટ મુંબઈમાં પોતાના પિતાના ખબર અંતર પૂછવા આવ્યા છે. તેમની લથડતી તબિયત અને ઈન્ફેક્શન વધવાથી ઘણો ચિંતિત છું. હું દુઆ કરૂં છું કે તેઓ જલ્દી સાજા થઈ જાય. તેમની સારસંભાળ માટે ડોક્ટરોની સમગ્ર ટીમ તૈનાત છે. લાલુ ૨૭ ઓગસ્ટ સુધી જામીન પર છે.
લાલુ યાદવ ઘાસચારા કૌભાંડમાં દોષી કરાર થયા બાદ રાંચીના બિરસા મુંડા જેલમાં રહ્યા પરંતુ ખરાબ તબિયતના કારણે તેમને પહેલા રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. લગભગ ૧ મહિનાની સારવાર બાદ એમ્સે તેમને ૩૦ એપ્રિલે ડિસ્ચાર્જ કરી દીધા હતા. જે બાદ તેમની સારવાર મુંબઈમાં ચાલી રહી છે. ખરાબ તબિયતના કારણે જ તે છેલ્લા ઘણા સમયથી જામીન પર બહાર છે. તાજેતરમાં જ તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નના જામીન પર બહાર આવ્યા હતા. જે બાદથી જ તેમની તબિયતમાં સતત બગડી રહી છે.