(એજન્સી) પટના, તા. ૭
સીબીઆઇએ શુક્રવારે લાલુપ્રસાદ યાદવ અને તેમના પુત્ર તથા બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ભ્રષ્ટાચારના આરોપમાં કેસ દાખલ કર્યો હતો જેમાં જમીન કૌભાંડના આરોપમાં તેમના પટના ખાતેના મકાન, દિલ્હી, રાંચીપુરી અને ગુરગાંવ સહિત ડઝનો સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરમિયાન લાલુ યાદવે વડાપ્રધાન મોદી અને ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ તેમનું ષડયંત્ર છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ વિરૂદ્ધ હોટેલ કૌભાંડમાં કેસ દાખલ થવા અને શુક્રવારે સીબીઆઇના દરોડા બાદ બિરાહના રાજકારણમાં ગરમાટો વ્યાપી ગયો છે. દરોડાના અહેવાલો બાદ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે નાલંદાના રાજગીરમાં અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ અંજનીકુમાર સિંહ, પ્રિન્સિપાલ સેક્રેટરી હોમ આમિર સુબ્હાની અને રાજ્યના ડીજીપી પીકે ઠાકુર સાથે બેઠક કરી હતી. બિહાર પોલીસ મુખ્યમથક તરફથી સમગ્ર રાજ્યમાં કોઇપણ પ્રકારના વિરોધ પ્રદર્શન અથવા હિંસાની આશંકાને જોતા તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન લાલુ યાદવે સીબીઆઇની કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યંુ હતું કે, તેઓ કોઇપણ સ્થિતિમાં ઝુકવા માટે તૈયાર નથી અને તેમણે ૨૦૦૬માં તેમના રેલવે મંત્રીના સમયગાળા દરમિયાન બધું નિયમો અંતર્ગત કર્યું હતું. ટેન્ડરની પ્રક્રિયામાં કોઇ ગરબડ કરવામાં આવી નહોતી. તેમણે હુંકાર ભર્યો હતો કે, અમે માટીમાં મળી જઇશું પરંતુ મોદી અને ભાજપની સરકારને ઉખેડી ફેંકીને જ જંપીશું. બીજી તરફ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું છે કે, સીબીઆઇ દરોડામાં ભાજપનો કોઇ સંબંધ નથી.
સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, લાલુ રેલવે મંત્રી હતા તે દરમિયાન બે હોટેલોની જાળવણી માટે એક પ્રાઇવેટ કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું અને તેના બદલે લાલુને ત્રણ એકર જમીન આપવામાં આવી હતી. આ ટેન્ડર વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ વચ્ચે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ તરફથી આપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન લાલુ રેલવે મંત્રી હતા. અસ્થાનાએ જણાવ્યું હતું કે, ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે રચાયેલા આ ષડયંત્ર માટે લાલુ અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ૧૯૮૮ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીબીઆઇના અધિકારી રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, આ સ્થાનાંતરણ અત્યંત ઓછી કિંમતે કરવામાં આવ્યું હતું જ્યાં સર્કલ રેટ અનુસાર જમીનની કિંમત ૩૨ કરોડ રૂપિયા હતી જેને લારા પ્રોજેક્ટ્‌સને આશરે ૬૫ લાખ રૂપિયામાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ બાદ પાંચમી જુલાઇએ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સીબીઆઇએ તત્કાલીન રેલવે મંત્રી લાલુ યાદવ, તેમના પત્ની રાબડી દેવી, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રેમચંદ ગુપ્તાના પત્ની સરલા ગુપ્તાની કંપની (જે હવે લારા પ્રોજેક્ટ્‌સ તરીકે ઓળખાય છે)ના માલિકો અને તત્કાલીન આઇઆરસીટીસીના મેનેજર પી.કે. ગોયલ વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૧માં ભારતીય રેલવેની હોેટેલો સહિત તેની ખાણી-પીણી સેવાઓનું મેનેજમેન્ટ આઇઆરસીટીસીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર અસ્થાનાએ જણાવ્યું કે, આ કેસ કલમ ૧૨૦-બી (અપરાધિક ષડયંત્ર), કલમ ૪૨૦ (છેતરપિંડી) અને ભ્રષ્ટાચારનો છે.
તેમણે કહ્યું કે, આ સમગ્ર ષડયંત્ર ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે રચવામાં આવ્યું હતું જેમાં પુરી અને રાંચી ખાતેના રેવલેની બીએનઆર હોટેલોના નિયંત્રણને પહેલા આઇઆરસીટીસીને સોંપવામાં આવ્યું અને બાદમાં તેની જાળવણી, સંચાલન અને વિકાસનું કામ પટના ખાતેની સુજાતા હોટેલ પ્રાઇવેટ લિમિટેડને સોંપી દેવામાં આવી હતી.
સીબીઆઇના દરોડા બાદ લાલુ યાદવના રાજકીય પ્રહારો વધી ગયા છે. ભાજપે માગ કરી છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે ડેપ્યુટી મુખ્યમંત્રીને સસ્પેન્ડ કરી દેવા જોઇએ. સીબીઆઈની આ કાર્યવાહીના કેટલાક દિવસ પહેલા જ આવકવેરા વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લાલુના પુત્રી મીસા ભારતી અને તેમના પતિ શૈલેશકુમાર સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના આરોપોમાં દરોડા પાડ્યા હતા.
લાલુના ઘરે દરોડાની જાણકારી પીએમ કચેરીએ નીતિશકુમારને આપી હતી
ગુરૂવારે મોડી રાતે વડાપ્રધાન કચેરીએ નીતિશકુમારને ફોન કરીને લાલુ અને તેમના પુત્ર તેજસ્વીના ઘરે રેડની જાણકારી આપી હતી. સરકારી અધિકારીએ જણાવ્યંુ હતું કે, શુક્રવારના દરોડા માટે પહેલાથી રાજ્ય સરકારને જાણકારી આપી હતી કારણ કે, આ બાબતે કોઇ તંગદિલી સર્જાય તો સરકાર પગલાં લઇ શકે. દરોડા દરમિયાન સીબીઆઇ અધિકારીએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેથી તેમણે બિહાર સરકારને જાણ કરવા પીએમઓ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. બિહાર સરકારના અધિકારીએ પણ એ વાત કબૂલી હતી કે, કોઇ હિંસક દેખાવો ન થાય તે માટે પીએમઓ ઓફિસે પહેલાથી જ રાજ્ય સરકારને જાણ કરી હતી. બિહારના ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને ગુરૂવારે મોડી રાતે સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ અપાયો હતો. અમને કોઇ કારણ આપવામાં આવ્યું નહોતું પરંતુ ટોળાઓને નિયંત્રણમાં લેવા માટે તમામ તૈયારીઓ કરી લેવા કહેવાયું હતું.
ધૂળમાં મળી જઇશું પરંતુ મોદી અને ભાજપનો સફાયો કરી દઇશું : લાલુ યાદવ
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ અને પૂર્વ રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવે સીબીઆઇના દરોડા બાદ જણાવ્યું હતું કે, તેમણે કાંઇ પણ ખોટું કર્યું નથી જે થઇ રહ્યું છે તે રાજકીય ષડયંત્ર અંતર્ગત થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ ધૂળમાં મળી જશે પરંતુ મોદી અને ભાજપનો સફાયો કરી દેશે. અમે ગરીબોની વાત કરીએ છીએ તે માટે અમને તોડના ષડયંત્ર થઇ રહ્યા છે. લાલુ યાદવે જણાવ્યું કે, મારી ગેરહાજરીમાં મારા બાળકોના ઘરે સીબીઆઇના દરોડા યોગ્ય નથી. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, આ પ્રક્રિયા એકદમ પારદર્શી હતી અને અણે આમાં કાંઇ પણ ખોટું કર્યું નથી. જોકે, સીબીઆઇને કેવી રીતે પાર પાડવી તે અમે સારી રીતે જાણીએ છીએ. તેમણે પોતાની પત્ની અને બાળકોને સીબીઆઇ તપાસમાં સહયોગ કરવા જણાવ્યું હતું. તેમણે સલાહ આપી હતી કે, તેઓ અધિકારીઓ છે જેવો આદેશ મળશે તેવું કામ કરશે તેથી અધિકારીઓને સહયોગ કરો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને આરએસએસના લોકો તેમને પરાસ્ત કરવા માગે છે પરંતુ તેઓ તૂટી જનારા નથી. તેઓ આગામી સમયમાં ભાજપને જોરદાર જવાબ આપશે. સમગ્ર વિપક્ષને ભાજપની નિષ્ફળતાઓ અને ષડયંત્રો વિરૂદ્ધ એકજૂથ કરશે. ભાજપના શાસનમાં દેશની હાલત બદથી બદતર થઇ ગઇ છે.