(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને દિલ્હીની એઇમ્સમાંથી રજા આપી દેવાઇ છે. ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા લાલુ યાદવને ત્યારબાદ દિલ્હીથી રાંચી રવાના કરી દેવાયા હતા. નવી દિલ્હી સ્ટેશન પરથી રવાના થવા દરમિયાન લાલુ યાદવના સમર્થકોએ તેમના ટેકામાં જોરદાર નારેબાજી કરી હતી. આ પહેલા લાલુ યાદવે એઇમ્સના નિર્દેશકને પત્ર લખી કહ્યું હતું કે, તેમને હજુ ડિસ્ચાર્જ કરવામાં ન આવે. તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી. જોકે, તેમની આ અપીલને માનવામાં આવી નહોતી અને રજા આપી દેવાઇ હતી. લાલુ યાદવને સાંજે ચાર વાગ્યાની ટ્રેનમાં રાંચી માટે રવાના કરી દેવાયા હતા. ચારા કૌભાંડમાં સજા પામેલા લાલુ યાદવની તબીયત લથડતાં રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને વધુ સારવાર માટે દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ લાલુપ્રસાદના પુત્ર તેજસ્વી યાદવે ટિ્‌વટ કરી લખ્યું છે કે, જ્યારે તેમના પિતાએ એઇમ્સને પત્ર લખી કહ્યું છે કે, તેઓ રાંચી જવા માગતા નથી તો તેમને શા માટે રાંચી મોકલવામાં આવે છે ? તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, આખરે લાલુ યાદવને દિલ્હીની એઇમ્સમાંથી રાંચી મોકલવા માટે એઇમ્સ પર કોણ દબાણ કરી રહ્યું છે ? આ અંગે એઇમ્સે નિવેદન આપતા કહ્યું હતું કે, લાલુપ્રસાદની તબીયત સારી છે. લાલુને રાંચીની રિમ્સમાંથી અહીં રિફર કરવામાં આવ્યા હતા. તેમની તબીયતમાં સુધારો દેખાતા પરત તેમને રિમ્સ મેડિકલ કોલેજ મોકલાઇ રહ્યા છે. ડિસ્ચાર્જ થતા પહેલા લાલુ યાદવે એમ્સને લખેલા પત્રમાં કહ્યું હતું કે, મને કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાંથી રજા આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મને અહીં સારી સારવાર માટે લાવવામાં આવ્યો હતો, હું તમને જણાવવા માગું છું કે, હું હૃદયરોગ, કિડની ઇન્ફેક્શન, શુગર તથા અન્ય ઘણી બીમારીઓથી પીડિત છું. કમરમાં દુઃખાવો છે અને વારંવાર ચક્કર આવે છે, હું ઘણીવાર બાથરૂમમાં પણ પડી ગયો છું. મારું બ્લડ પ્રેશર અને શુગર પણ વચ્ચે વધી જાય છે. લાલુએ આગળ લખ્યું કે, રાંચીની મેડિકલ કોલેજમાં સમગ્ર સારવારની વ્યવસ્થા નથી. દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે કે, તેની સમગ્ર સારવાર તેની સંતુષ્ટી અનુસાર થાય. તો પછી કેમ કઇ એજન્સી અને રાજકીય દબાણને વશ થઇ મને અહીંથી હટાવવાનો નિર્ણય કરાઇ રહ્યો છે. લાલુ યાદવે નિર્દેશકને પોતાને ડિસ્ચાર્જ નહીં કરવા અપીલ કરી હતી. જ્યાં સુધી હું સંપૂર્ણ રીતે સારો ન થઇ જાઉં ત્યાં સુધી મારી સારવાર અહીં કરવામાં આવે. પરંતુ જો મને રાંચી મોકલવામાં આવે છે અને મારા જીવન પર કોઇ જોખમ તોળાય તો સમગ્ર જવાબદારી તમારા બધાની રહેશે. નોંધનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સોમવારે સવારે લાલુપ્રસાદ યાદવને દિલ્હીની એઇમ્સમાં મળવા ગયા હતા.

રાહુલ ગાંધીએ દિલ્હીના AIMS હોસ્પિટલના રૂમમાં લાલુપ્રસાદની મુલાકાત લીધી


કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીની એઇમ્સમાં સવારે પહોંચી ગયા હતા અને લાલુ યાદવ સાથે મુલાકાત કરી હતી. લાલુ યાદવને રાહુલના આવવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ તૈયાર થઇને બેસી ગયા હતા. રાહુલ ગાંધીએ તેમની લથડતી જતી તબીયત વિશે પૃચ્છા કરી હતી. નોંધનીય છે કે, એઇમ્સમાં લાલુ યાદવની એકદમ હસતા મોઢે પ્રથમ તસવીર આવી હતી. આ પહેલા તેમના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ તેમને મળવા ગયા ત્યારે તેઓ બ્લૂ ટી-શર્ટ અને લુંગીમાં દેખાયા હતા. અગાઉ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા તેમને મળવા ગયા ત્યારે પણ તેઓ ટી-શર્ટ અને લુંગીમાં જ હતા. રાંચીની રિમ્સ મેડિકલ કોલેજમાં પણ તેઓના નર્સો સાથેના ફોટા પણ વાઇરલ થયા હતા. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસ અધ્યક્ષને માન આપવા માટે તેઓ શાલિન કપડાં પહેરી તૈયાર થયા હોઇ શકે. જોકે, બંને નેતાઓની મુલાકાતને લઇ રાજકીય છાવણીઓમાં ચર્ચા જાગી છે કે કદાચ તેઓ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ માટે ચર્ચા કરી હોઇ શકે. રાહુલ ગાંધી ઉપરાંત કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી તથા શત્રુઘ્ન સિંહા પણ લાલુ સાથે એઇમ્સમાં મુલાકાત કરી ચુક્યા છે.

લાલુ યાદવના ડિસ્ચાર્જ સમયે અજાણ્યા તત્વો દ્વારા સ્ટાફ સાથે ગેરવર્તણૂંકના આરોપ સાથે એઇમ્સે ફરિયાદ નોંધાવી

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાંથી તબિયત સંપૂર્ણપણે સુધરી ગયા બાદ આરજેડીના નેતા અને ચારા કૌભાંડના આરોપી લાલુ યાદવને ડિસ્ચાર્જ કરવામાં આવતા લાલુના સમર્થકોએ ભારે હોબાળો કર્યો હતો. આ સંદર્ભમાં એઈમ્સ વહીવટીતંત્રએ હોજ ખાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં એઈમ્સ વહીવટીતંત્રએ કહ્યું હતું કે, સોમવારે બપોરે સવા બાર વાગ્યાની આસપાસ આશરે ૧૦થી ૧૨ અસામાજિક તત્વો હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા અને સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ અસામાજિક તત્વો લાલુ યાદવને ડિસ્ચાર્જ કરવાને લઇને વિરોધ કરી રહ્યા હતા. તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી. હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. સુરક્ષા ગાર્ડ સાથે મારા મારી કરી તેને ઇજાગ્રસ્ત કર્યો હતો. હોસ્પિટલના સ્ટાફ સાથે ખરાબ વર્તનનો મામલે અમે ફરિયાદ નોંધાવી છે તેમ ડિરેક્ટરે જણાવ્યું હતું.