(એજન્સી) પટના, તા.રર
લાલુ પ્રસાદ યાદવની સતત ૧૦મી વખત રાષ્ટ્રીય જનતા દળના (રાજદ) અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. નેતા વિરોધી પક્ષકાર તેજસ્વી પ્રસાદ યાદવના નેતૃત્વમાં રાજદ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે અને તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. મંગળવારે રાજદની ૧૦મી રાષ્ટ્રીય સમિતિની બેઠક તેમજ ઓપન સેશનમાં પાર્ટીએ આ સંકલ્પ લીધો હતો. પાર્ટીએ રાજકીય પ્રસ્તાવ હેઠળ રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી એકતાને યથાવત રાખવાનો પણ સંકલ્પ કર્યો હતો.
સમિતિની બેઠકમાં પક્ષના બંધારણમાં સુધારો કરી રાષ્ટ્રીય અધ્યક્ષને નવી સમિતિના કાર્યકાળને વિશેષ પરિસ્થિતિમાં વધારવા અથવા ઘટાડવા તથા કાર્યકારીણીની રચનાનો અધિકાર સોંપવામાં આવ્યો છે. આ પ્રસંગે લાલુ યાદવે અપીલ કરી કે પછાત, કચડાયેલા અને ઉચ્ચ જાતિના પ્રગતિશીલ લોકો રાજદની સરકાર બનાવે.