લુણાવાડા,તા.૧
લુણાવાડામાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કિરણ સુથારને ૧પ૦૦ રૂપિયાની લાંચ લેવાના આરોપસર મહીસાગર સેશનસ અદાલતે ૭ વર્ષની સજા ફરમાવતો ચુકાદો આપતા તંત્રમાં ચકચાર મચી જવા પામી છે.
લુણાવાડા મામલતદાર કચેરીમાં ર૦૧રના વર્ષમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર કિરણ કનૈયા સુથારે લુણાવાડા તાલુકાના ખારોલના રહિશ ઘનશ્યામ ગોવીંદભાઈ પટેલે એક જમીન વેચાણમાં રાખી હતી. આ જમીન અંગે કાચી નોંધને પ્રમાણિત કરી દસ્તાવેજી પુરાવાઓ માટે અરજી કરી હતી. આ કામ માટેના વ્યવહાર પેટે ૧પ૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
સરકારના કાયદા પ્રમાણે જમીન વેચાણ અંગેની કાચી નોંધ નિર્ધારિત સમય પ્રમાણે પ્રમાણિત થઈ જતી હોય છે. આ દસ્તાવેજી પુરાવાઓ આપવા માટે લાંચિયા સર્કલ ઓફિસર કિરણ સુથારને ૧પ૦૦ રૂપિયા આપવાના બદલે ખારેલના રહિશ ઘનશ્યામ ગોવીદભાઈ પટેલે ગોધરા સ્થિત એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.
આ ફરિયાદ સંદર્ભમાં એસીબી પીઆઈ વી.જે.રાઠવાએ છટકુ ગોઠવીને સર્કલ ઓફિસર કિરણ સુથારને ૧પ૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.
લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા સર્વેયર કિરણ સુથારને ગતરોજ મહિસાગરના પ્રિ. સેશન્સ જજ એચ.વી.રાવલે સાત વર્ષની કેદ અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ સંભળાવ્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ એચ.કે.દેશમુખ હાજર રહ્યા હતા.