(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
ફટાકડાની અરજીમાં પોઝીટીવ અભિપ્રાય આપવા માટે રૂા.૪૫ હજારની માંગણી કરનાર ગોત્રી પોલીસ મથકનાં એ.એસ.આઇ. શુક્રવારની રાત્રે રૂા.૨૦ હજારની લાંચ લેતા વડોદરા એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાઇ જવા પામ્યા હતા. એ.સી.બી.એ તેમની ધરપકડ કરી તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે તેમ એ.સી.બી.ના અધિકારીએ જણાવ્યું હતું. પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરમાં દિવાળીનાં તહેવારને લઇને ઠેર-ઠેર ફટાકડાનાં સ્ટોર લાગી રહ્યાં છે. આ સ્ટોલ લગાવવા માટે પોલીસની પરમીશન લેવાની હોઇ છે. ફટાકડાનાં સ્ટોલમાં આગ ફાટી નિકળે તેવી સંભાવના વધુ હોવાથી આવા સ્ટોલ માલિકો પાસેથી પોલીસ અરજીઓ મંગાવે છે. કેટલીક શરતોનું પાલન કરવામાં ત્યારે ફટાકડા વેચાવાની પરમીશન પોલીસ દ્વારા આપવામાં આવે છે. દિવાળી નજીક આવતી હોઇ, પોલીસ વિભાગનાં અભિપ્રાય લેવાનું હોવાથી ગોત્રી વિસ્તારમાં એક વેપારી દ્વારા ફટાકડાનાં સ્ટોરની પરવાનગી માટે ગોત્રી પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. જેમાં અભિપ્રાય લખી આપનાર એ.એસ.આઇ. વલ્લભ વિક્રમભાઇ વસાવા દ્વારા અરજદાર પાસે પોઝીટીવ અભિપ્રાય લખવા માટે રૂા.૪૫ હજારની માંગણી કરી હતી. જે બાદ વેપારીએ લાંચ-રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. એ.સી.બી.ના સ્ટાફે ગત રાત્રે છટકુ ગોઠવી વેપારીને એ.એસ.આઇ. સાથે ફોન પર વાતચીત કરી મામલો રૂા.૨૫ હજારમાં નક્કી કર્યો હતો. ગત રાત્રે રૂા.૨૫ હજાર આપવા માટે એ.સી.પી.ના અધિકારીઓ સાથે રાખી ટ્રેપ કરતાં એ.એસ.આઇ. રૂા.૨૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જવા પામ્યો હતો. એ.સી.બી.એ એ.એસ.આઇ. સામે ગુનો નોંધી તેના ઘરે સર્ચ કરવાની તજવીજ હાથ ધરી છે.