(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સુરત એરપોર્ટ આજકાલ ચર્ચાના ચગડોળે છે આગામી તા.૩૦મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મેળવાનો છે તેવી સ્થિતિમાં એક માઠા ન્યુઝ એ આવ્યા છે કે, સુરત એરપોર્ટ પર આજે તા.૧૭મી જાન્યુઆરીના રોજ જોઇન્ટ જનરલ મેનેજર જેવી પોસ્ટ પર ખાસ નિયુક્ત કરાયેલા એક અધિકારી રાધા રમણ ગુપ્તાને એન્ટીકરપ્શન બ્યુરીની ટીમે લાંચના છટકામાં આબાદ ઝડપી પાડ્યા હોવાની વિગત સપાટી પર આવી છે. કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.૩૦ હજારની લાંચ લેવાના પ્રકરણમાં તેઓ આબાદ ઝડપાયા છે અને તેમણે સુરત એરપોર્ટના ચાંદરૂપી સ્વરૂપમાં કાળી ટીલી પણ લગાડી દીધી છે. એ.સી.બી.ની ટ્રેપ થયા બાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કેટલાક અધિકારીઓ સમગ્ર ઘટના અંગે ઢાંકપીછોડો કરવાની કોશીશ કરી હતી અને આ સમગ્ર પ્રકરણ અંગેની કોઇ વિગતો મીડિયાને આપવાનો ઇન્કાર કરી દીધો હતો. મળતી માહિતી અનુસાર જોઇન્ટ જનરલ મેનેજરની સુરતમાં એક ખાસ પોસ્ટ ઊભી કરવામાં આવી હતી. એરપોર્ટ વિસ્તરણનું મહત્ત્વનું કામ આ પોસ્ટ પર નિમાયેલા ગુપ્તા નામના એક અધિકારીને સોંપવામાં આવ્યું હતું. હાલ એરપોર્ટ પર વિસ્તરણ ચાલી રહ્યું છે ત્યારે અનેક કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુપ્તા નામના અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસેથી રૂા.૩૦ હજારની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટરે આ અધિકારીને પાઠ ભણાવવા માટે એન્ટીકરપ્શન બ્યુરોને ફરિયાદ કરીને આજે તેમને આબાદ છટકામાં પકડાવી દીધા હતા. આ સાથે જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા પહેલા આ અધિકારીએ કાળી ટીલી લગાડી દીધી છે.