ગાંધીનગર, તા.રપ
ગુજરાતમાં ૨૦૧૮નાં વર્ષમાં વર્ગ-૧ (ક્લાસ વન) અધિકારીઓ મોટા પ્રમાણમાં લાંચ લેતા ઝડપાયા હતા તેવી વિગતો બહાર આવી છે.
રાજ્ય સરકાર વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ મુજબ, ૨૦૧૮નાં વર્ષમાં ભ્રષ્ટાચાર વિરોધી દળે (એસીબી)એ વર્ગ એકનાં ૩૨ અધિકારીઓને લાંચ લેતા ઝડપ્યા હતા.
આ આંકડાઓ મુજબ, એ.સી.બીએ વર્ષ ૨૦૧૮માં ફૂલ ૭૨૯ આરોપીઓને પકડ્યા હતા. જેમાં વર્ગ-૨ના ૯૧ અધિકારીઓ હતા. આ જ વર્ષ દરમિયાન વર્ગ ત્રણનાં ૩૩૭ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાં હતા.
મહત્ત્વની વાત એ છે કે, એસીબીએ વર્ષ ૨૦૧૮માં ૨૫૬ ખાનગી વ્યક્તિને લાંચના કેસમાં પકડ્યા હતા. ગુજરાત સરકારમાં વર્ગ એકના અધિકારીઓ વિરુદ્ધ કુલ ૭૨ ફરિયાદ મળી હતી. સરકારે વિધાનસભામાં જણાવ્યું કે, વર્ગ એકના ૭૨ પૈકી ૩ અધિકારીઓને મોટી સજા કરવામાં આવી છે. તકેદારી આયોગ દ્વારા વર્ગ એકના ૪૧ અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી છે. વર્ગ એકના ૨૮ અધિકારીઓને ગૌણ સજા કરવામાં આવી છે.
સરકારને વર્ગ બેના ૬૩ અંધિકારીઓ સામે ફરિયાદ મળી છે. આ ૬૩ ફરિયાદો પૈકી વર્ગ બેના ૪ અધિકારીઓને મોટી સજા કરવામાં આવી અને ૨૯ અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી. વર્ગ બેના ૩૦ અધિકારીઓને ગૌણ સેવા તકેદારી આયોગ દ્વારા કરાઈ. આ જ રીતે, વર્ગ ત્રણના ૫ અધિકારીઓને મોટી સજા કરાઈ વર્ગ ત્રણના ૧૬ અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી હતી.