(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૧
શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં નોકરી કરતા એક પોલીસ કોન્સ્ટેબલ અને એક જીઆરડી જવાને આરોપી તરીકે ઝડપેલા યુવાનને રિમાન્ડ દરમિયાન મારપીટ નહીં કરવા માટે લાંચ માંગવાની ફરિયાદ એસીબીને મળતાં એસીબીએ ઉધના ત્રણ રસ્તા ખાતે છટકુ ગોઠવીને જીઆરડી જવાનને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક આરોપી ઝડપાયો હતો. જેને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીને મારપીટ કરવામાં આવશે એવી દહેશતને પગલે આરોપીનો ભાઇ લિંબાયત પોલીસ સ્ટેશનના ડિ-સ્ટાફના કોન્સ્ટેબલ રાજુ ભીવસેન રાવને ભલામણ કરવા માટે ગયો હતો. ત્યારે રાજુ રાવે એવું કહ્યું હતું કે, જો તું રોકડા રૂા. ૩૦ હજાર લાંચ પેટે અમારા જીઆરડી જવાન કિસણ નાથુ પટેલને આપીશ તો તારા ભાઇને મારપીટ કરવામાં નહીં આવે. કિસણ પટેલને લાંચની રકમ રૂા. ૩૦ હજાર લેવા માટે ઉધના ત્રણ રસ્તા ખાતે બોલાવ્યા હતા. આ સમયે એસીબીના અધિકારીઓ પણ ટ્રેપ ગોઠવીને આસપાસના વિસ્તારમાં છુપાયો હતો. એસીબીના અધિકારીઓએ જીઆરડી જવાન કિસન નાથુ પટેલને ઉધના ત્રણ રસ્તા ખાતેથી જ લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે રાજુ રાવને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. આ સમગ્ર ઓપરેશન એસીબી પીઆઇ સી. કે. પટેલના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. હાલમાં એસીબી દ્વારા લિંબાયત ડિ સ્ટાફના પોલીસ ટોન્સ્ટેબલ રાજુ રાવ અને જીઆરડી જવાન નાથુ પટેલ વિરુદ્વ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.